દિલીપ પરીખ શંકરસિંહ વાઘેલાની નીચે રાજકારણમાં આવ્યાં હતાં અને છેલ્લી તક સુધી બાપુના વફાદાર રહ્યાં. દિલીપ પરીખ માત્ર બાપુના વિશ્વાસપાત્ર માણસોના એક હતાં, તેઓ ગુજરાતમાં મધ્યમ વર્ગ પર પકડ ધરાવનાર નેતા પણ હતાં. શંકરસિંહ બાપુ પરીખને સાથે રાખી વેપારી વોટબેંકમાં સેન્ધ લગાવવાની કોશિશમાં હતાં. દિલીપ પરીખના ઘરમાં ગુજરાતી બોલાતી હતી, પણ તેમનો જન્મ મુંબઇમાં થયો હતો. મુંબઈની જાણીતી એલિફ્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવી હતી, ત્યારબાદ પ્લાસ્ટિકના ધંધામાં કિસ્મત અજમાવી અને સફળ પણ થયાં.
80ના દશકામાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન બન્યા હતા. 1990ના વર્ષોમાં શંકરસિંહ વાઘેલાની નીચે રાજનીતિના પાઠ ભણ્યા. ભાજપ તરફથી અમદાવાદની ધંધુકા બેઠકથી ચૂંટણી લડ્યાં હતાં. દિલીપ પરીખની ખરી કસોટી ત્યારે થઈ જ્યારે મુખ્યપ્રધાનની ખુરશી પર બેઠા.
આમ, ગુજરાતમાં ભાજપનો પાયો નાંખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા શંકરસિંહ વાધેલાએ અંતે છેડો ફાડીને રાષ્ટ્રીય જનતા પાર્ટી(રાજપા)ની સ્થાપના કરી. કોંગ્રેસના ટેકાથી બાપુ મુખ્યપ્રધાન બની ગયા. કોંગ્રેસે એક વર્ષ સુધી બાપુની સરકાર ચાલવા દીધી, ત્યારબાદ 1997ના ઓક્ટોબરમાં શંકરસિંહને હટાવવાની માંગ ઉઠી, જે નાછૂટકે રાજપાએ માનવી પડી અને દિલીપ પરીખ મુખ્યપ્રધાન બનાવાયા. 1998માં મતદારોએ પક્ષપલટાની ગુલાંટબાજીઓને હડસેલી દઈ ફરીથી ભાજપને જીતાડયો. આમ, આટલો મોટો ઘટનાક્રમ દિલીપ પરીખને મુખ્યપ્રધાન બનાવવામાં કામ કરી ગયો હતો.
દિલીપ પરીખને જ્યારે પોતાનો બહુમત સાબિત કરવાનો આવ્યો ત્યારે ગૃહમાં પરીખે એક લાઈનનો વિશ્વાસ પ્રસ્તાવ લખી અધ્યક્ષની સામે રાખી દીધો હતો. જેના પર વોટિંગ થયું અને પરીખ વિશ્વાસ મેળવવામાં સફળ થયા. છેલ્લે દિલીપ પરીખે એક કેબીનેટ બેઠક નર્મદા પર બની રહેલા સરદાર સરોવર પાસે રાખવાનું નક્કી કર્યું, આ બેઠક બાદ દિલીપ પરીખ અને શંકરસિંહ વાઘેલા અચાનક હેલિકોપ્ટરમાં બેસી ગાંધીનગર રવાના થઈ ગયા અને સાંજે પરીખ અને વાઘેલા રાજ્યપાલને રાજીનામું આપી વિધાનસભા ભંગ કરવાનું નક્કી કરી દીધું. આમ, છેલ્લી રાજકીય અટકળોમાં પણ દિલીપભાઈ બાપુ સાથે જ રહ્યાં.