અમદાવાદઃ રાજયસભામાં કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે જણાવ્યું હતું કે, એક તરફ ગુજરાતમાં ફીનો મામલો વણસ્યો છે. કોરોના વૈશ્વિક મહામારીમાં 6 મહિના કરતા વધુ સમયથી શાળાઓ બંધ છે. ઓનલાઈન શિક્ષણ સામાન્ય, મધ્યમ વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે પરવડે તેવું નથી. ત્યારે ડિજિટલ ઈન્ડિયા અમીર અને ગરીબ વચ્ચે ડિજિટલ અસમાનતાનું કારણ બનવું ન જોઈએ.
સાંસદ એહમદ પટેલે જણાવ્યું હતું કે, સરકારી અને ખાનગી શાળા ઓનલાઈન શિક્ષણ આપી રહી છે. જેમાં મોટા ભાગે શાળાઓ ફી વસૂલવા માટે યોગ્ય વ્યવસ્થા ગણાવવામાં આવી રહી છે. ઓનલાઈન એજ્યુકેશનથી આર્થિક રીતે નબળા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે આર્થિક બોજો પડી રહ્યો છે.
ઓનલાઇન એજ્યુકેશન, ડિજિટલ વ્યવસ્થાની મોજણીની વિગતો રજૂ કરતા રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે શું દલીલો કરી?
- NSSની મોજણીમાં માત્ર 24 ટકા ઘરમાં જ ઈન્ટરનેટનો ઉપયોગ થઈ રહ્યો છે. માત્ર 9 ટકા વિદ્યાર્થી જ ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે.
- ગુજરાત શિક્ષણ વિભાગના સરવે મુજબ 3 ટકા વિદ્યાર્થી પાસે જ લેપટોપ કે પર્સનલ કોમ્પ્યુટર છે.
- 4 ટકા વિદ્યાર્થીઓ અનલિમિટેડ ડેટા યોજનાની સાથે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે.
- દિલ્હી સરકારના સર્વે મુજબ 80 ટકા ઘરોમાં લેપટોપ / કોમ્પ્યુટર ઉપલબ્ધ નથી.
- તેલંગણા ટીચર્સ ફેડરેશન સર્વેમાં ચોકાવનારી વિગતો બહાર આવી છે કે, ઓનલાઈન શિક્ષણમાં 70 ટકા વિદ્યાર્થીઓ નિષ્ક્રિય છે.
ક્ષેત્રીય અસંતુલનની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ, બિહાર અને ઓડિશા જેવા રાજ્યોમાં ઈન્ટરનેટની પહોંચ ગોવા, દિલ્હી અને હિમાચલની તુલનામાં ઓછી ગુણવત્તાવાળી છે. વર્ષ 2014માં મોદી સરકારે વચન આપ્યું હતું કે, 2.5 લાખ ગ્રામ્ય પંચાયતને 2017માં બ્રોડબેન્ડથી જોડવામાં આવશે. જે અન્ય યોજનાની જેમ જ જાહેરાત પૂરતું સિમિત રહી છે. માત્ર 23,000 ગ્રામ પંચાયત બ્રોડબેન્ડથી જોડાવવામાં આવી છે.
કોરોના મહામારીની વર્તમાન સ્થિતિને જોઈને કેન્દ્ર સરકાર સમક્ષ શિક્ષણના મહત્વપૂર્ણ વિષય પર માગ કરતા રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલે જણાવ્યું હતું કે, ઉચ્ચકક્ષાનું ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે જે ઓનલાઈન કલાસ, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પર ગંભીર માનસિક દબાણ – તણાવ ઉભુ કરી રહ્યાં છે, તેનો અભ્યાસ કરવામાં આવે કેન્દ્ર સરકારે રાજ્યો સાથે પરામર્શ કર્યા બાદ એક રાષ્ટ્રીય દિશા નિર્દેશ નક્કી કરવા જોઈએ. તેથી ઓનલાઈન અભ્યાસક્રમ, ચલાવવાના નિયમ અને પદ્ધતિ નક્કી થાય. શિક્ષણ અભ્યાસક્રમમાં ફેરફારની જગ્યાએ કેન્દ્ર સરકાર ગરીબ-સામાન્ય-જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન કલાસમાં જોડવા માટે સહાય કરવામાં અને તેના માટે આર્થિક વ્યવસ્થા પર કામ કરવું જોઈએ.