- દસાડા પાટડીના ધારાસભ્ય નૌશાદ સોલંકીને પોલીસે કર્યા નજરકેદ
- ભારત બંધને લઈને કોંગ્રેસ કોઈ હોબાળો ન કરે તે માટે પોલીસની નજર
- પાટડી રેલવે ફાટક પર કોંગ્રેસે અદાણી-અંબાણીના પૂતળા બાળ્યા
અમદાવાદઃ ખેડૂતો દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને કોંગ્રેસે સંપૂર્ણ ટેકો આપ્યો હતો. જોકે, કેટલીક જગ્યાએ સમર્થન તો કેટલીક જગ્યાએ બંધને ઓછો પ્રતિસાહ મળ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ કોઈ પણ પ્રકારનો હોબાળો ન મચાવે તે માટે પાટડીમાં ડીવાયએસપી સહિત પોલીસ કાફલા દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પાટડીમાં વેપારી મંડળ તથા દુકાનદારો ભારત બંધને સમર્થન નહતું આપ્યું. પાટડીના વેપારીઓ તથા દુકાનદારોએ કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધ સમર્થન આપ્યું નહતું. પાટડીમાં સંપૂર્ણ બજારો ખુલ્લી જોવા મળી હતી.
પોલીસે પૂતળાદહન પહેલા જ તમામ કોંગી કાર્યકર્તાઓની કરી અટકાયત
દસાડા પાટડીના ધારાસભ્ય નૈશાદ સોલંકી અને કોંગ્રેસ જિલ્લા મહામંત્રી વિક્રમ રબારીને નજરકેદ કરવામાં આવ્યા હતા. પાટડી શહેર કોંગી કાર્યકરો દ્વારા પાટડી રેલવે ફાટક પાસે અંબાણી અને અદાણીના પૂતળાદહનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી જતા કોંગ્રેસી કાર્યકર્તાઓમાં અફરાતફરી મચી ગઈ હતી. કોંગી કાર્યકર્તાઓ અદાણી અને અંબાણીના પૂતળાદહન કરે તે પહેલા પોલીસ સ્થળ પર પહોંચી જઈ કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.