અમદાવાદઃ કટાર લેખક નગીનદાસ સંઘવીનું નિધન થયું છે. સુરત હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. 100 વર્ષની ઉંમરે નગિનદાસનું નિધન થયું છે. કટાર લેખક નગીનદાસ સંઘવીને 26મી જાન્યુઆરીએ પદ્મશ્રી આપીને સન્માનિત કરાયા છે.
જ્યાં 3.30 કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2020માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ વર્ષ તેમનું જન્મ શતાબ્દી વર્ષ હતું. નગીનદાસ સંઘવી વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હતાં તેમજ તેમની કોલમ ‘તડ ને ફડ’ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસતા આવ્યા હતાં. એમના પુસ્તકો ગુજરાતી સહિત અંગ્રેજીમાં પણ પ્રકાશિત થયાં છે. એમના ગીતા, રામાયણ અને મહાભારતના પ્રવચન પણ લોકપ્રિય છે. તેઓ અત્યાર સુધી સાહિત્યક્ષેત્રે સક્રિય હતાં. આપને જણાવી દઇએ કે, નગીનદાસ સંઘવીનો જન્મ વર્ષ 1920માં થયો હતો.
દેશ આઝાદ થયો ત્યારે વર્ષ 1947માં તેઓએ મુંબઈ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. મુંબઈની જાણીતી કૉલેજોમાં આશરે 3 દાયકા સુધી પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવનારા નગીનદાસ સંઘવીએ નિવૃતી બાદ વિવિધ સામયિકો અને જર્નલોમાં લખવાની શરૂઆત કરી હતી. તેમના નિધન બાદ મુખ્યપ્રધાન રૂપાણીએ વરિષ્ઠ કટાર લેખક સમીક્ષક અને વિશ્લેષક તથા વિવેચક પદ્મશ્રી નગીનદાસ સંઘવીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.
મુખ્યપ્રધાને પાઠવેલા શોક સંદેશમાં સદગત નગીનદાસ સંઘવીને એક સચોટ અને પ્રખર વિવેચક સમીક્ષક ગણાવતા કહ્યું છે કે, સમાજજીવન અને દેશ દુનિયાની સાંપ્રત સમસ્યાઓ અને સ્થિતિનું નીરક્ષીર વિવેક સાથે નિરૂપણ કરવાની તેમની સહજ લેખનીએ લાખો વાચકોના દિલમાં અમિટછબિ ઊભી કરી છે, તેમના નિધનથી ગુજરાતના સાહિત્યિક અને પત્રકારિતા જગતને ના પુરાય એવી ખોટ પડી છે, એમ જણાવતાં મુખ્યપ્રધાને સ્વર્ગસ્થનાઆત્માની પરમ શાંતિની પ્રાર્થના કરી છે. કોંગ્રેસ દ્વારા પણ સદગતને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા.
નગીનદાસ સંઘવીનાં નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા મમનાં ખજાનચી અને રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, શતાયુ સ્વ.નગીનદાસ સંઘવી પોલિટિકલ સાયન્સનાં પ્રાધ્યાપક તરીકે ઉત્તમ કામગીરી સાથે ઉત્તમ કોટિના લેખન સાથે જોડાયેલા હતાં. વિવિધ વિષયો પર તેમનું લખાણ અપ્રિતમ હતું. જુદાં જુદાં વિષયો રાષ્ટ્રીય હોય કે આંતરરાષ્ટ્રીય બાબતને સુંદર શબ્દોમાં તથ્યો આધારિત રજૂ કરવાની તેમની આગવી ઓળખ હતી. સ્વ.નગીનદાસ સંઘવી નવી પેઢીનાં પત્રકારો માટે યુનિવર્સિટી સમાન હતા. શતાયુ સ્વ. નગીનદાસ સંઘવીનાં નિધનથી દેશે એક ઉત્તમ ગજાના કટાર લેખક ગુમાવ્યા છે. કોંગ્રેસ પક્ષ તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
70માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. જેમાં આ એવોર્ડમાં જાણીતા કટાર લેખક નગીનદાસ સંઘવીને શિક્ષણ અને પત્રકારત્વ માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો.