અમદાવાદ:શહેરમાં ફરી એકવાર ડોક્ટરની અને હોસ્પિટલ સ્ટાફની બેદરકારીને કારણે એક વ્યક્તિનું મોત થયું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે.હેલ્મેટ સર્કલ નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં જડબાનું ઓપરેશન કરાવવા આવેલા 54 વર્ષીય આધેડને હોસ્પિટલ સ્ટાફ દ્વારા ડ્રેસિંગ કરતા સમયે બેદરકારી દાખવતા તેઓને વધુ પડતું લોહી નીકળતા હોસ્પિટલમાં જ મોત થયું હોય તેવું સામે આવ્યું હતું.
ઓપરેશન સફળતાપૂર્વક: જેને લઈને પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફ તેમજ તબીબ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. હાલતો ઘાટલોડીયા પોલીસે અકસ્માત મોત દાખલ કરવાની કામગીરી શરૂ કરી છે.હેલ્મેટ ચાર રસ્તા પાસે આવેલી પંચશીલ હોસ્પિટલ ડિવાઇન હેર એન પ્લાસ્ટિક સર્જરી સેન્ટર ખાતે ભાવનગરના વાઘેલા વિજયભાઈ મહોબ્બતસિંહ નામના 54 વર્ષીય આધેડ જડબાનું કેન્સર હોય તેની સારવાર માટે એક સપ્તાહ પહેલા દાખલ થયા હતા. 4 જુલાઈના રોજ તેઓનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
"મૃતકના પરિવારજનોના આક્ષેપને ધ્યાનમાં રાખીને અકસ્માત મોત દાખલ કરવામાં આવી છે. ખરેખર દર્દીનું મોત કયા કારણોસર થયું તે જાણવા માટે મૃતકનું પેનલ પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ ખોલતા આ મામલે જરૂર જણાશે તો ગુનો દાખલ કરવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે"-- આર.જે ચૌધરી (ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના PI)
મોત નીપજાવવામાં આવ્યું: આ સમગ્ર ઘટનાને લઈને પરિવારજનો દ્વારા હોસ્પિટલ સ્ટાફ અને તબીબ સામે તેઓની બેદરકારીના કારણે સ્વજનનું મોત થયું હોવાના આક્ષેપ કરીને હોબાળો કરવામાં આવતા ઘાટલોડીયા પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. આ સમગ્ર બાબતે પરિવારજનોના આક્ષેપને લઈને પોલીસ દ્વારા પરિવારજનોનું નિવેદન લઈને પંચનામું કરવામાં આવ્યું હતું મૃતકના પુત્ર બળદેવસિંહ વાઘેલાએ etv ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પિતા ઓપરેશન બાદ સાજા થઈ ગયા હતા અને આજે તેઓને રજા આપવાની હતી જોકે હોસ્પિટલ તંત્ર દ્વારા બેદરકારી કરીને તેઓનું મોત નીપજાવવામાં આવ્યું છે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.