- સોલા વિસ્તારમાં વહુએ કરી સાસુની હત્યા
- વહુએ સાસુને સળગાવવાનો પ્રયાસ કર્યો
- સોલા પોલીસે આરોપી વહુની ધરપકડ કરી
- અમદાવાદઃ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોતા નજીક આવેલા રોયલ હોમ્સ ફ્લેટમાં રહેતા 52 વર્ષિય રેખાબેન અગ્રવાલ નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટીએ આ હત્યા કરાઈ હોય તેવું જણાઇ આવ્યું હતું. જેથી પરિવારજનોએ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
આરોપી વહુએ હત્યા કરી હોવાનું કબૂલ્યું
આ ઘટનામાં વહુએ સાસુને માથામાં ઇજા પહોંચાડી હત્યા કરી હતી. બાદમા આરોપી વહુએ મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કરી તે પોતાના રૂમમાં બંધ થઈ ગઈ હતી અને રૂમનો દરવાજો ન ખુલવાનો નાટક કર્યુ હતું. જ્યારે હત્યાનો બનાવ બન્યો તે સમયે મૃતકના પતિ કોરોના પોઝિટિવ હોવાથી હોસ્પિટલમાં હતા અને પુત્ર પોતાના કામથી બહાર ગયો હતો. જેથી હત્યાના આરોપથી બચવા માટે વહુએ નાટક કર્યા હતા પરંતુ ત્યારબાદ પોલીસની સામે પોતે જ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.
હત્યા માટે ઘરકંકાસ જવાબદાર
10 મહિના પહેલા મૃતક મહિલાના પુત્રના લગ્ન થયા હતા પરંતુ શરૂઆતથી જ સાસુ અને વહુ વચ્ચે વાતે-વાતે ઝઘડા થતા હતા. જેથી મંગળવારની રાત કોઈ કારણોસર ઝઘડો થતા આક્રોશમાં આવી વહુએ સાસુને માથાના ભાગે ઇજા પહોંચાડી હત્યા કરી હતી.