અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આ અલગ અલગ ગુનામાં સામેલ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસકર્મીને માથામાં તલવાર મારનાર મહમદ સરવર ઉર્ફે કડવો ભાડભુજા તેમજ અન્ય આરોપીઓ આરીફ ઉર્ફે ગોચા ભાડભુજા સલમાન ઉર્ફે પીટોના કુરેશી, મોહમ્મદ આમીન ઉર્ફે અગન કુરેશી અને મોહમ્મદ આબિદ ભાડભૂજાને સરસપુરમાંથી પકડી પાડવામાં આવ્યા છે.
હત્યાનો પ્રયાસ: રખિયાલ વિસ્તારમાં એક હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આરોપી તરીકે ફૈઝાન ઉર્ફે પતલી વોન્ટેડ હતો. જેને પકડવા પોલીસ તેના ઘરે પહોંચી હતી. જોકે આ આરોપીના ઘરે તેના બાપુનગર વિસ્તારના દુશ્મન સરવર ઉર્ફે કડવા સહીત અન્ય ચાર લોકો ત્યાં હાજર હતા અને તેણે પોલીસને જણાવ્યું કે તમે જે આરોપી ફૈઝાંનની ધરપકડ કરવા આવ્યા છો અમારે તેને મારવાનો છે એટલે તમે અહીથી ચાલ્યા જાઓ. જે મામલે પોલીસ અને અન્ય લોકો સાથે બોલાચાલી અને જપાજપી થઈ હતી, જેમાં સરવર ઉર્ફે કડવા એ પોલીસકર્મી ઉપર તલવારથી હુમલો કર્યો હતો.
હત્યાના પ્રયાસ અને રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો: ફેઝાનનાં દુશ્મનોએ તલવારથી પોલીસ કોન્સ્ટેબલ જયદેવ જાદવ પર હુમલો કર્યો હતો જેમાં જયેશ જાદવ નામના પોલીસકર્મી ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે અંગે રખિયાલ પોલીસ મથકે આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અને રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
'રખિયાલ અને બાપુનગરમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં એક પોલીસ કર્મીને પણ તલવારથી હુમલો કરીને આરોપીએ હત્યાનો પ્રયાસ કર્યો હોય ગુનામાં સામેલ પાંચ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે પકડીને તેઓની વધુ તપાસ માટે રખિયાલ પોલીસને હવાલે કર્યા છે.' -ભરત પટેલ, એસીપી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
આરોપીની ધરપકડ: ઝડપાયેલા તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો સામે આવ્યો છે અને અગાઉ પણ તે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ નાના મોટા ગુનાને અંજામ આપી ચૂક્યા છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની વધુ તપાસ માટે તેઓને રખિયાલ પોલીસને સોંપતા રખિયાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી છે.