અમદાવાદ : ક્રિકેટ વિશ્વ કપ 2023 ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા વચ્ચે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ત્યારે સ્ટેડિયમની બહાર વહેલી સવારથી પ્રેક્ષકોની ભીડ ઉમટી પડી હતી. ભારતીય ચાહકો પોતાની ટીમને સપોર્ટ કરવા અવનવી વેશભૂષા સાથે સ્ટેડિયમ પહોંચ્યા હતા. ત્યારે ફાઇનલ મેચ જોવા લંડનથી આવેલા કચ્છના 2 મિત્રો સ્પેશિયલ અમદાવાદ આવ્યા હતા. જોકે આ બંને કચ્છી ભાંડુ પોતાની અનોખી વેશભૂષાના કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
લંડનથી આવ્યા ભારતીય ચાહક : ક્રિકેટ વિશ્વ કપ 2023 ફાઇનલ મેચને નિહાળવા દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં ક્રિકેટ ચાહકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. ત્યારે લંડનમાં સ્થાયી થયેલા કચ્છના 2 યુવાનો ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, અમે ખાસ ભારતીય ડ્રેસ અને ભારતના ત્રિરંગા સાથેના કપડાં પહેરીને અમદાવાદ મેચ જોવા માટે આવ્યા છીએ. ભારતને સપોર્ટ કરી રહ્યા છીએ અને આ મેચમાં ભારતનો ભવ્ય વિજય પણ થશે.
સુપરસ્ટાર બચ્ચન મેચ જોવા આવ્યા : અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આતે અગાઉ રમાયેલી ભારત-પાકિસ્તાન મેચમાં ડુપ્લીકેટ વિરાટ કોહલી જોવા મળ્યો હતો. ત્યારે લોકોએ આ યુવક સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. આજે ફાઇનલ મેચમાં ડુપ્લિકેટ અમીતાબ બચ્ચન પણ સ્ટેડિયમની બહાર જોવા મળ્યો હતો. આબેહૂબ બચ્ચનની સ્ટાઇલમાં આ યુવક સ્ટેડિયમની બહાર આવ્યો હતો. આકર્ષણનું કેન્દ્ર બનેલા આ યુવક સાથે સેલ્ફી લેવા લોકોએ પડાપડી કરી હતી. જોકે ભીડ વધી જતા નકલી બચ્ચનને પણ ભાગવું પડ્યું હતું.
ઇજાગ્રસ્ત યુવકનો ઉત્સાહ : ક્રિકેટ વિશ્વ કપ ફાઇનલ મેચ સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1.30 લાખ પ્રેક્ષકો વચ્ચે જોવાની મજા જ કંઈક અલગ હોય છે. ત્યારે સ્ટેડિયમની બહાર અનેક લોકો આજે પણ ટિકિટ મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. ત્યારે માંડ માંડ ટિકિટ મળતા હરિયાણાનો એક યુવક ઇજાગ્રસ્ત હોવા છતાં પણ ઘોડી લઈને અમદાવાદ ખાતે મેચ જોવા અને ફાઇનલ મેચનો સાક્ષી બનવા માટે પહોંચ્યો હતો.