અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલા એક વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. જેમાં બે યુવકો પોલીસની ચાલુ ગાડીમાં અંદર બેસીને અને પાછળ લટકીને વિડિયો બનાવ્યો હતો. પોલીસની ગાડી સાથે વિડીયો વાયરલ થતા શહેર પોલીસની ટીમ કામે લાગી હતી. અંતે આ મામલે ગુનામાં સામેલ બન્ને યુવકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસની વાન સાથે બનાવેલી વિડીયો મામલે આરોપીઓની પૂછપરછ કરતા નવો ખુલાસો થયો છે.
"આરોપીઓએ પોલીસની જાણ બહાર આ રીતે વિડીયો બનાવ્યો હતો. હાલ આરોપીઓની ધરપકડ કરી તેઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને અન્ય બાબતો અંગે તપાસ હાથ ધરાઈ છે.-- એમ.ડી ચંપાવત (શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ)
સોશિયલ મીડિયામાં અપલોડ: સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં અંકીત ઠાકોર નામનાં 19 વર્ષીય યુવક અને તેની સાથેનો અન્ય એક યુવક પોલીસની સરકારી વાનમાં પાછળનો દરવાજો ખુલ્લો રાખી ફૂટરેસ્ટ ઉપર ઉભા રહી, પોતાની પાસેના ફોનમાં બહાર લટકતી હાલતમાં વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. જે વિડીયોના આધારે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી અસારવામાં રહેતા 19 વર્ષીય અંકિત ઠાકોર અને 20 વર્ષીય મીત ઠાકોર નામના બંને યુવકોની ધરપકડ કરી છે.
જાહેરનામા ભંગનો ગુનો દાખલ: વાયરલ થયેલા વીડિયો મામલે તપાસ કરતા સામે આવ્યું કે 6 જૂન 2023 ના રોજ શાહીબાગ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રાતના દોઢ વાગે સિવિલ કોર્નર પાસે લાઉડ સ્પીકરનો અવાજ આવતો હોય જેથી ચીમનલાલ ઘાંચીની ચાલીની અંદર તપાસ કરતાં દશરથ પરમાર નામના એક વ્યક્તિ દીકરાના લગ્ન હોય અને પોતાના ઘર આગળ ડીજે સાઉન્ડ પરવાનગી વિના વગાડવામાં આવતા હોય જેથી તેઓના વિરુદ્ધમાં શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ: પોલીસે ડી.જે સાઉન્ડ સિસ્ટમના યંત્રો તેમજ સ્પીકર જમા લીધા હતા. તે યંત્રો પોલીસ સ્ટેશન લઈ જવા માટે ત્યાં હાજર અંકિત ઠાકોર અને મીત ઠાકોર નામના યુવકની મદદ મેળવી હતી. ડી.જેનો સામાન સરકારી બોલેરો ગાડીમાં મુકાવ્યો હતો, પરંતુ સામાન પાછળના ભાગે સમાય તેમ ન હોય સરકારી ગાડીનો પાછળનો દરવાજો પૂરતો વખાયો ન હતો. જેથી તેને અર્ધ ખુલ્લા રાખીને આ સામાન પોલીસ સ્ટેશન ખાતે મૂકવા જતા હતા. તે દરમિયાન સરકારી વાહન સાથે સિવિલ હોસ્પિટલ ગેટ નંબર બે સામે જાહેર રોડ ઉપરથી પસાર થતા વખતે આરોપીએ પોતાના ફોનમાં પોતે સરકારી વાનમાં પાછળનો દરવાજો ખુલ્લો રાખી ફૂટરેસ્ટ પર ઉભા રહીને પોલીસની જાણ બહાર લટકતી હાલતમાં બંને જણાએ વિડીયો બનાવ્યો હતો અને જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.