અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં જાગૃત ઓટો રીક્ષા ડ્રાઇવર યુનિયન તરફથી યુનિયન પ્રેસિડેન્ટ રાજવીર ઉપાધ્યાય દ્વારા પિટિશન દાખલ કરાઈ હતી. જેમાં ફરિયાદ કરાઈ હતી કે નિર્ભયા સેફટી પ્રોજેકટ અંતર્ગત અમદાવાદ પોલીસ દ્વારા ખાનગી કંપનીને અમદાવાદના રીક્ષા ચાલકોનો ખાનગી ડેટા આપી રહી છે. આ ડેટામાં રીક્ષા ચાલકોના મોબાઈલ નંબર, આધાર કાર્ડ અને પાનકાર્ડની વિગતો એકઠી કરવામાં આવી છે. જ્યારે આ પ્રોજેકટમાં તમામ પેસેન્જર વાહનોનો ડેટા આપવાનો છે. પરંતુ ફક્ત ઓટો રિક્ષા ચાલકોને જ ટાર્ગેટ કરાઈ રહ્યા છે.
રીક્ષા યુનિયનની કોર્ટમાં પિટિશન: આ પિટિશનની આજની સુનવણીમાં અરજદારના વકીલ જુકી લુકી ચાન દ્વારા જજ વૈભવી નાણાવટીની કોર્ટમાં રજુઆત કરાઇ હતી કે પોલીસ રીક્ષા ચાલકોની ગોપનીયતાનો ભંગ કરી રહી છે. રીક્ષા ચાલકો રીક્ષા લે ત્યારે જ તમામ કાગળિયા રજિસ્ટ્રેશન માટે અપાય જ છે. યુનિયન તરફથી રજૂઆત કરવામાં આવી છે કે જે પણ માહિતી ભેગી કરવામાં આવી છે તેનો ખાનગી કંપની શું ઉપયોગ કરશે તેની પોલીસને પણ ખબર નથી. તેમજ આધાર અને પાનકાર્ડ જેવા ખાનગી વિગતોનો શું ઉપયોગ થશે? તેની ખબર નથી. તેમ છતાં આવું કરીને પોલીસ ઓટો રીક્ષા ચાલકો સાથે ભેદભાવ કરીને તેઓ અસામાજિક હોય તેવું પુરવાર કરી રહ્યા છે.
રિક્ષા ચાલકોને અસામાજિક તત્વ તરીકે ચીતરવાની કોશિશ: નિર્ભયા ઘટના એક બસમાં બની હતી પરંતુ તેની આડમાં ઓટો રિક્ષા ચાલકોને અસામાજિક તત્વ તરીકે ચીતરવાની કોશિશ કરવામાં આવી રહી છે. જેનો જાગૃત ઓટો રીક્ષા ડ્રાઈવર્સ યુનિયને વિરોધ પણ નોંધાવ્યો હતો. તેમજ નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા પોસ્ટરમાં પણ ફક્ત એક મહિલા જે ઓટો રિક્ષામાં સવારી કરતી હોય અને પોતાને નિર્ભય પ્રોજેક્ટ અંતર્ગત સુરક્ષિત માનતી હોય તેવા ગાંધીનગર અને અમદાવાદ ખાતે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
જોઈન્ટ કમિશનર ઓફ ટ્રાફિકને નોટીસ: અત્રે મહત્વનું છે કે, પહેલેથી જ ગૃહ વિભાગનું જાહેરનામું છે કે દરેક રીક્ષા વાળાએ તેમના નામ, લાઈસન્સ નંબર, સરનામું અને ટ્રાફિક હેલ્પલાઈન નંબર ડ્રાઇવર સીટ પાછળ ફરજીયાત લગાવવાના છે. બારકોડ સ્ટીકર લગાવવાનો વિરોધ પણ રીક્ષા યુનિયને કર્યો છે. આ મુદ્દે સુનાવણી બાદ હાઇકોર્ટે અમદાવાદ શહેરના જોઈન્ટ કમિશનર ઓફ ટ્રાફિકને નોટીસ આપી છે. જેની આગામી સુનાવણી 14 સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવી છે.