અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. ત્યારે 12 સપ્ટેમ્બરથી સ્પેશિયલ ટ્રેનોમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે પ્રવાસીઓની અવર-જવર ખુબ વધી છે. લોકડાઉન દરમિયાન વતન ગયેલા પરપ્રાંતિય મજૂરો પણ રોજગારી મેળવવા માટે ફરીથી અમદાવાદ શહેરમાં વળી રહ્યા છે.
સતર્કતાના ભાગ રૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સ્વૈચ્છિક ટેસ્ટ સેન્ટરો ઉભા કરાયા છે. ત્યારે કાલુપુર રેલવે સ્ટેશનના પ્રાંગણમાં પણ કોરોના વાઇરસનો ફરજિયાત ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જે પણ પ્રવાસીઓ ટ્રેનમાંથી અમદાવાદ સ્ટેશન ઉતરે, તેને ફરજિયાત ટેસ્ટ કરાવીને અને રિસીપ્ટ બતાવીને જ બહાર જવા દેવામાં આવે છે. આ માટે રેલવે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
જુદા-જુદા 10 કાઉન્ટર પર કાઉન્ટર દીઠ 100 લેખે રોજના એક હજાર ટેસ્ટ કરવામાં આવે છે. જેમાંથી રોજ ઓછામાં ઓછા 40 દર્દીઓ કોરોના પોઝિટિવ મળી રહ્યા છે. તેમને ત્યાંથી સીધા નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે રિફર કરવામાં આવે છે.