- સિવિલમાં ઓક્સિજન ન મળતા વટવાની મહિલાનું મોત
- સિવિલની બેદરકારીનો નમૂનો
- સમગ્ર દેશમાં આવી હાલત
અમદાવાદઃ દેશના ખૂણે-ખૂણે કોરોના દર્દીઓના દુઃખદ મૃત્યુની ઘટનાઓ બની રહી છે. 22 એપ્રિલના રોજ અમદાવાદમાં એક કરુણ ઘટના બની ગઈ. અમદાવાદની વટવામાં રહેતી 30 વર્ષિય મહિલા કોરોનાગ્રસ્ત હતી. તેમની તબિયત વધુ બગડતા તેમને બચાવવા તેમના પતિ શહેરની ત્રણ હોસ્પિટલમાં ફર્યા છતાં બચાવી શક્યા નહીં. મહિલાને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતા 108માં ફોન કર્યો હતો, પરંતુ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ના હોવાનો જવાબ 108 તરફથી મળ્યો હતો. તેથી મહિલાને રીક્ષામાં જ ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. મહિલાની ગંભીર પરિસ્થિતિ જોતા તેને ડોક્ટરે મોટી હોસ્પિટલમાં લઇ જવાની સલાહ આપી હતી.
આ પણ વાંચોઃ બનાસકાંઠાના દવાખાનાઓમાં ઓક્સિજન ખૂટી જતા 10 દર્દીઓના મોત
કોરોનાના દર્દીઓને દાખલ થવા પહેલાથી જ એમ્બ્યુલન્સનુ વેઇટિંગ હતું
કોરોના સંક્રમિત મહિલાનો પતિ તેને લઈને એલ.જી. હોસ્પિટલ પહોંચ્યો હતો. પરંતુ સરકારી નિયમ પ્રમાણે 108માં આવતા દર્દીઓને જ દાખલ કરવાના જડ નિર્ણયથી મહિલાનો પતિ તેને એ જ રિક્ષામાં અન્ય એક હોસ્પિટલમાં લઇ ગયો. પરંતુ ત્યાં પણ સારવાર ન મળતા સાડા ચાર કલાક જેટલો સમય વીતી ગયો હતો. છેલ્લે અમદાવાદની અસારવા સિવિલની 1,200 બેડની હોસ્પિટલમાં તેઓ પહોંચ્યા હતા. અહીં કોરોનાના દર્દીઓને દાખલ થવા અગાઉથી જ એમ્બ્યુલન્સનુ વેઇટિંગ હતું. દર્દીઓનું વેઇટિંગ ચાલતું હતું, ત્યારે ઓક્સિજન ન મળતા મહિલાએ સિવિલ કેમ્પસમાં જ પોતાના આખરી શ્વાસ લીધા હતા.
![ઓક્સિજન ન મળતા સિવિલ કેમ્પસમાં જ કોરોના સંક્રમિત મહિલાનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-12-civil-death-photo-story-7209112_23042021192719_2304f_1619186239_900.jpg)
આ પણ વાંચોઃ કોવિડ હોસ્પિટલમાં 4 દર્દીઓના મૃત્યુ, ઓક્સિજનના અભાવે મોત થયાનો પરિવારનો આક્ષેપ
તંત્રએ કેમ્પસમાં સારવાર આપવાનો નિર્ણય કર્યો
સામાન્ય રીતે 108માં ઓક્સિજનની વ્યવસ્થા હોય છે. પરંતુ તેમ છતાં 108માં ન આવ્યા હોય તેવા દર્દીનું હોસ્પિટલ કેમ્પસમાં ઓક્સિજન વગર મૃત્યુ થાય તે ચલાવી લેવાય નહીં. આખરે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા મોડેથી નિર્ણય લેવાયો છે કે, હોસ્પિટલમાં ભરતી થવા આવેલા કોરોના દર્દીઓના પ્રાણ બચાવતી જરૂરી તમામ સારવાર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે કે, આવી કોઇ ઘટના તેમના ધ્યાનમાં નથી. આ સાથે મહિલાના પતિ સાથે વાત કરવા જતા કોઇ પણ જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો અને મહિલાએ સિવિલ કેમ્પસમાં જ પોતાના શ્વાસ છોડ્યા હતા.
શું કહે છે ઘટનાના પ્રત્યક્ષદર્શી?
આ ઘટનાને નજરે જોનારા લોકો પાસેથી મળેલી માહિતી મુજબ, હોસ્પિટલમાં દર્દીને લઇ જવા માટે સુવિધા ન હતી, પણ સ્ટ્રેચર પર ઓક્સિજનની બોટલ લઇ જવાઇ રહી હતી. આ ઘટના સ્થળ પાસે આશરે 10 મીટરની અંતરે ઓક્સિજન પ્લાન્ટ આવેલો છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ આધુનિક સુવિધાથી સજ્જ હોવા છતા આ મહિલાને બચાવી શકાઇ ન હતી.