અમદાવાદઃ પ્રવિણ રાઠોડ તેમના પરિવાર સાથે શહેરના પૂર્વ વિસ્તાર એવા અમરાઈવાડીમાં રહે છે અને છેલ્લા કેટલાય વર્ષોથી હાથના મોજા બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. દર વર્ષે ઉનાળાના માત્ર ચાર મહિના જ તેમને કમાવવાની સિઝન હોય છે, પરંતુ આ વર્ષે કોરોના વાઇરસના કારણે તેમને આર્થિક લાભ થયો છે, તથા તેમના ધંધામાં પણ તેજી જોવા મળી રહી છે.
દર વર્ષની જેમ પ્રવીણભાઈએ આ વર્ષે પણ ઉનાળો શરૂ થાય તે પહેલા હાથના મોજાનો સ્ટોક કર્યો હતો, પરંતુ અચાનક જ કોરોના વાઇરસની મહામારી આવતા આ મોજાનું શું કરવું તેમના માટે મૂંઝવણ હતી. ત્યારે તેમને વિચાર આવ્યો કે, કોરોના વાઇરસના ચેપથી બચવા માટે હાથના મોજાનો પણ ઉપયોગ કરી શકાય છે. જે કારણે તેમને શરૂઆતમાં તેમની પાસે રહેલા સ્ટોકમાંથી હાથના મોજા પોલીસ કર્મી, ડૉકટર તથા જરૂરિયાતમંદોને વિનામૂલ્યે આપ્યા હતા.
આ બાદ લોકોએ સીધો જ તેમનો સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું, અને હાથના મોજાની માગ વધી હતી. જે કારણે હાજર સ્ટોક ખાલી થઈ ગયો હતો. જે કારણે તેમને નવા હાથના મોજા પણ બનાવવાનું શરૂ કર્યું હતું. આ બાદ જે લોકોને સમગ્ર શહેરમાં હાથના મોજનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું.
હાથના મોજા બનાવવાથી પ્રવિણભાઈનું તો ગુજરાન ચાલે જ છે. આ સાથે અન્ય 40 લોકોનું પણ ગુજરાન ચાલે છે. હાલ રોજના 1200 મોજા બનાવવામાં આવે છે. રોજ સવારે 6 કલાકેથી સાંજના 8 કલાક સુધી સતત પ્રવીણભાઈ પરિવાર સાથે મોજા બનાવે છે. હવે ફેશન પ્રમાણે પણ મોજા અને માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. હાલ જ્યારે અન્ય ધંધામાં મંદી છે, ત્યારે આ હાથના મોજના ધંધામાં તેજી છે. તેમજ આ ધંધાના કારણે અન્ય 40 લોકોને પણ રોજગારી મળી છે.