અમદાવાદ : શહેરમાં રિવરફ્રન્ટ એક અલગ જ પ્રકારની ઓળખ ધરાવે છે. ત્યારે મનપા દ્વારા લોકોને આકર્ષવા માટે અલગ અલગ પ્રકારના મનોરંજન સાધનો પણ મૂકવામાં આવી રહ્યા છે. તાજેતરમાં શરૂ કરવામાં આવેલી રિવર ક્રુઝ શરૂઆતના દિવસોમાં વિવાદ જોવા મળી રહ્યો છે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટનું પાણી 134 ફૂટ રાખવાની માંગ કરવામાં આવી હતી. ચોમાસાના પાણી સાબરમતીમાં ન જવાના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી રહી છે. જેને લઈને ખુદ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક ધારાસભ્યે પણ કમિશનરને પત્ર લખીને જાણ કરી હતી. આજે કોંગ્રેસે પણ તેનો વિરોધ કર્યો હતો.
મનપા પર આક્ષેપ : આ અંગે વિપક્ષ નેતા શહેઝાદ ખાને જણાવ્યું હતું કે, 100 લોકોના મનોરંજન માટે સાબરમતી નદીમાં ક્રુઝ શરૂ કરવામાં આવી છે. સાબરમતી નદીના પાણી શહેરમાં જોવા મળી રહ્યા છે. જ્યારથી ક્રુઝ શરૂ કરવામાં આવી ત્યારથી સાબરમતી નદીના પાણીનું લેવલ 134 ફૂટ રાખવામાં આવી રહ્યું છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. જેના કારણે શહેરના લોકો પરેશાન જોવા મળી રહ્યા છે.
વિપક્ષની માંગ : આ ઉપરાંત ભૂતકાળની વાત કરતા વિપક્ષ નેતાએ કહ્યું હતું કે, જે પાર્ટી આ કામની વાહવાહી કરી રહી છે. તેના ધારાસભ્યએ કમિશ્નરને પત્ર લખીને પાણીના ભરાવા અંગે જાણ કરવામાં આવી હતી. એ પહેલા પણ રિવરફ્રન્ટ પર અનેક પ્રોજકટ શરૂ કરવામાં આવ્યા હતા. આ પહેલા સી પ્લેન લાવવામાં આવ્યું હતું, તે બંધ થયું છે. આ ક્રુઝ પણ આવનાર દિવસોમાં બંધ થાય તો નવાઈ નહીં. કારણે કે, તેની ફી પણ વધારે જોવા મળી રહી છે. કોંગ્રેસની માંગ છે કે, આ ક્રુઝને ચોમાસાની સિઝનમાં બંધ રાખવામાં આવે. જેથી સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા ઉદભવે નહીં.
સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ શહેરની એક ઓળખ છે. અમદાવાદ શહેરમાં જો સાબરમતી રિવરફ્રન્ટ ના હોત તો શહેરમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળી શકતી હતી. દરેક દેશ અને રાજ્યમાંથી લોકો સાબરમતી રિવરફ્રન્ટ જોવા માટે આવી રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ એક આકર્ષણ કેન્દ્ર છે. જેમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે. જેનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. 1 કલાકમાં 63 મિલીમીટર વરસાદ પડે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે. આ કોંગ્રેસ પોતાની નબળાઈ છુપાવવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. -- કિરીટ પરમાર (મેયર, AMC)
ભાજપના ધારાસભ્યનો પત્ર : એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહે પણ પોતાના મત વિસ્તારમાં પાણી ભરાવા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જાણ કરી હતી. ચોમાસાની ઋતુ દરમિયાન સાબરમતી નદીનું પાણી 128 ફૂટ રાખવામાં આવે તેવી માંગ કરી હતી. તેને 134 ફૂટ કરવામાં આવે છે. જેના કારણે વાસણા, એલિસબ્રિજ, પાલડી, સી.જી. રોડ સહિતના વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે કે, ચોમાસાની સિઝન દરમિયાન સાબરમતી નદીનું પાણી 128 ફુટ રાખવામાં આવે.