- અમદાવાદ અને સુરત શહેર કોંગ્રેસપ્રમુખનાં રાજીનામા સ્વિકારાયા
- શહેર કોંગ્રેસના નવા પ્રમુખ ન બને ત્યાં સુધી ઇન્ચાર્જની નિમણૂક
- અમદાવાદમાં ચેતન રાવલ અને સુરતમાં નૈષધ દેસાઈને સોંપાઈ જવાબદારી
અમદાવાદ: ચુંટણી બાદ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીકાંત પટેલ અને સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાબુભાઇ રાયકાનું રાજીનામુ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્વિકારી લીધુ છે. જોકે, નવા પ્રમુખની નિમણૂક ન થાય, ત્યાં સુધી અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ચેતનભાઈ રાવલ અને સુરત શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નૈષધભાઈ દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું શું હતું પરિણામ
તાજેતરમાં યોજાયેલી અમદાવા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 192 બેઠકોમાંથી ભાજપે 160 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 24 બેઠકો જ આવી હતી. આ સિવાય અપક્ષના ખાતામાં 8 બેઠકો આવી હતી. જો સુરતની વાત કરીએ તો, સુરત કોર્પોરેશનની કુલ 120 બેઠકોમાંથી 93 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા હતા. જ્યારે ગઈ વખત વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હતા અને કોંગ્રેસના ખાતામાં એક પણ બેઠક આવી ન હતી. સૌથી ચોંકાવનારી વાત એ રહી કે, પ્રથમ વખત કોર્પોરેશનની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી 27 બેઠકો પર જીત મેળવી વિપક્ષમાં બેસી છે.