- પશ્ચિમ બંગાળની ચૂંટણી પછી ભાજપના દેશમાં ઠેર-ઠેર ધરણા
- કોરોનાના આ કપરા કાળમાં આચારસંહિતાનો ભંગ થઇ રહ્યો
- કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે સરકારને પ્રશ્નો કર્યા
અમદાવાદ : પશ્ચિમ બંગાળની ચુંટણીના આવેલા પરિણામ પછી થયેલા હિંસક તોફાનોને લઇને ફરી એકવાર રાજકારણમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બુધવારે સુરતમાં બેનરો સાથે મૌન દેખાવો યોજ્યા હતા. ત્યારે તેમણે કોંગ્રેસ પર પણ મૌન રહેવાનો આરોપ મૂકયો હતો. તારીખ 6 મેના રોજ ગુરૂવારે અમદાવાદ શહેરમાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે શહેરના જુદા-જુદા 48 વોર્ડમાં કાર્યક્રમો યોજવાની ભાજપના કર્ણાવતી મહાનગરના મીડિયા સેલ તરફથી જાહેરાત કરવામાં આવી છે.
બંગાળની દુર્ઘટના પર કેટલાક લોકો મગરના આંસુ પાડી રહ્યા
બીજી તરફ પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસ પક્ષ કોઇપણ પ્રકારની હિંસાના સમર્થનમાં નહીં હોવાનું જણાવીને કહ્યું છે કે, ભાજપ રાજકીયરૂપ આપી સમગ્ર દેશમાં ધરણાના કાર્યક્રમો જાહેરમાં યોજે ત્યારે કોરોનાના આ કપરા કાળમાં આચારસંહિતાનો ભંગ કરે ત્યારે વાડ જ ચીભડાં ગળે તેવો ઘાટ છે. પરંતુ દુઃખ એ વાતનું છે કે, આજે જે બંગાળની દુર્ઘટના પર કેટલાક લોકો મગરના આંસુ પાડી રહ્યા છે એ આંસુઓનું પૃથક્કરણ કરવા જેવું છે.
રાજકીય પક્ષોને હાર અને જીત બન્ને પચાવતા આવડવી જોઈએ
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ પછી જે રીતે હિંસા થઇ રહી છે એ સદંતર ખોટું છે. હિંસાને ક્યારેય વ્યાજબી ઘણી શકાય નહીં. લોકશાહીમાં હાર અને જીત તો એની સુંદરતા છે. પરંતુ જીત થઇ હોય તો છકી જવાનું હોતું નથી અને હાર થાય તો નિરાશ થવું ના જોઈએ. રાજકીય પક્ષોને હાર અને જીત બન્ને પચાવતા આવડવી જોઈએ. કોંગ્રેસ પક્ષ કોઈ પણ પ્રકારની હિંસાના સમર્થમમાં નથી.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળની ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા ભાજપે યોજ્યા ધરણા
પશ્ચિમ બંગાળની હિંસા પછી આખા દેશવ્યાપી ધરણાના કાર્યક્રમો કરી રહી
ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળની હિંસા પછી આખા દેશવ્યાપી ધરણાના કાર્યક્રમો કરી રહી છે. પરંતુ આખા દેશની ભારતીય જનતા પાર્ટી ખરેખર પ્રજાના પ્રશ્નો માટે ઉપવાસ પર બેઠી હોત તો લેખે લાગત અને જનતાને પણ હાશકારો થાત કે, દેશમાં લોકશાહી હજુ જીવે છે. પોતાની જ પાર્ટીની સરકાર સામે પણ ઉપવાસ પર ઉતર્યા કે ધરણા કર્યા. ભારતીય જનતા પાર્ટીને જયારે લોકોને કોરોનાના અતિક્રમણ જયારે એની મહત્તમ ટોચે છે.
ભારતીય જનતા પાર્ટીએ પ્રજાના પ્રશ્નો માટે ધરણા કર્યા હોત તો વ્યાજબી ગણાત
ગુજરાતની કે દેશની જનતાને પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ ના થતું હોય, ટેસ્ટિંગ થાય તો હોસ્પિટલમાં દાખલ થવા માટે 108 એમ્બ્યુલન્સનો નંબર ના લાગે, ભૂલથી લાગી જાય ત્યારે 72 કલાકનું વેઈટીંગ મળે, માંડ-માંડ હોસ્પિટલ પહોંચીએ ત્યારે બેડ ના મળે, લાગવગ કરી ને બેડ મળે તો ઓક્સિજનનો બાટલો ના મળે, બાટલો મળે તો રિફિલિંગ ના મળે પછી ફેબીફલ્યુ દવા ના મળે, રેમડેસીવીર અને ટોસીલીઝુમેબ ઇન્જેક્શન ના મળે. છેવટે બધું મળે તો વેન્ટિલેટર્સ ના મળે. આટલા બધા પ્રશ્નો માટે ભારતીય જનતા પાર્ટીએ ધરણા કર્યા હોત તો વ્યાજબી લાગત. પરંતુ પ્રજાના આ સળગતા પ્રશ્નોને કારાણે મૂકી રાજકીય તાયફા કરવા ટેવાયેલી ભારતીય જનતા પાર્ટી જનતા વચ્ચે હાસ્યાસ્પદ બની છે.
નકલી ટીલા ટપકા કરી બની બેઠેલા ગૌરકક્ષકોની પાછળ દોરી સંચાર કોનો હોય
દેશમાં પણ નકલી ટીલા ટપકા કરી બની બેઠેલા ગૌરકક્ષકોની પાછળ દોરી સંચાર કોનો હોય છે તે સૌ સુપેરે જાણે છે. સાચા ગૌરક્ષકો પણ છે. ગૌરી લંકેશ જેવા સમાજના વ્હીસલ બ્લોઅર અથવા તટસ્થ પત્રકારો, લેખકો અને મીડિયાનું ટ્રોલીંગ કરાવી ડરાવી, ધમકાવવાની અને બદનામ કરવાની પ્રવૃત્તિ પણ ભીડતંત્રનો હિસ્સો ગણાય. સંઘની કિસાન શાખા, કિસાન સંઘ દ્વારા ભીડ ભેગી કરી રોડ ખોદાવ્યા હતા, ઝાડ કપાવ્યા હતા, લાઈટના થાંભલા તોડાવ્યા હતા, એસ.ટી. બસોના કાચ ફોડાવ્યા હતા અને રાષ્ટ્રની કરોડોની સંપત્તિને નુકશાન કરાવ્યું હતું એ પણ ભીડતંત્ર નો એક ભાગ જ હતો.
બિન જવાબદાર ઘટનાઓને વેગ આપનાર તમામ ભીડનો હિસ્સો જ ગણાય
પથ્થરની મુર્તિને દુધ પીવડાવતી, શંકર ભગવાનના પોઠિયાને ઘાસ ખવડાવતી કે નિર્મલબાબાના તોટકા અને આશારામના તંત્રમંત્રથી દોરવાઈ જતી ભીડનો રાજકીય ઉપયોગ સરળ છે .ચોટલા કાપી લેતી કે બાળકો ઉઠાવી જતી ગેંગ કે સોનુ ધોઈને પિત્તળ પધરાવતી ગેંગ જેવી બિન જવાબદાર ઘટનાઓને વેગ આપનાર તમામ આ ભીડનો હિસ્સો જ ગણાય છે. સુપ્રીમ કોર્ટે આ અંગે કડક કાયદો ઘડવાનો નિર્દેશ કેન્દ્ર સરકારને કરેલો છે. જો તેનું વેળાસર પાલન થયું હોત તો ભીડને નિયંત્રિત કરી શકાત. હજુ મોડુ નથી થયું જેમ બને તેમ વહેલું કાયદો ઘડી લેવાની જરૂર છે.
પ્રવક્તા જયરાજસિંહના સરકાર સામે કેટલાક આકરા પ્રશ્નો
- દેવેન્દ્ર ફડણવીસના શાસન વખતે બે સાધુઓની મંદિરમાં હત્યા થઇ હતી ત્યારે આ જમાત ક્યાં હતી ?
- જયારે હિન્દૂ સંત સ્વામી અગ્નિવેશ પર આ સમૂહના લોકોએ હુમલો કર્યો ત્યારે ક્યાં હતા ?
- વકીલ પ્રશાંત ભૂષણની ઓફિસ પર હુમલો થયો ત્યારે ક્યાં હતા?
- જે.એન.યુ.માં નિર્દોષ હિંદુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ પર હુમલો કરવા વાળા બુકાનીધારીઓ વિરુદ્ધ રેલી કેમ ના કાઢી ?
- ઉનામાં દલિત યુવાનો પર લિંચિંગ થયું ત્યારે ક્યાં હતા ?
- એખલાક અને જુનેદ આપણા રાષ્ટ્રના નાગરિકો નહોતા ?
- પાનસરે અને દાભોલકરને ભરખી જનારી આ ભીડ પાછળનું ભેજું કોનું હતુ ?
- કુલબર્ગી, રોહિત વેમુલાના હુમલાખોરોને કોણે પ્રોત્સાહિત કર્યા હતા ?
- સાચા ગૌરક્ષકો પણ છે જ આ દેશમાં પણ નકલી ટીલા ટપકા કરી બની બેઠેલા ગૌરકક્ષકોની પાછળ દોરી સંચાર કોનો હોય છે તે સૌ સુપેરે જાણે છે ?
- ગૌરી લંકેશ જેવા સમાજના વ્હીસલ બ્લોઅર અથવા તટસ્થ પત્રકારો, લેખકો અને મીડીયાનું ટ્રોલીંગ કરાવી ડરાવવા ધમકાવવાની અને બદનામ કરવાની પ્રવૃત્તિ પણ ભીડતંત્રનો હીસ્સો ગણાય.?
- સંઘની કિસાન શાખા, કિસાન સંઘ દ્વારા ભીડ ભેગી કરી રોડ ખોદાવ્યા હતા, ઝાડ કપાવ્યા હતા, લાઈટના થાંભલા તોડાવ્યા હત, એસ.ટી. બસોના કાચ ફોડાવ્યા હતા અને રાષ્ટ્રની કરોડોની સંપત્તિને નુકશાન કરાવ્યું હતું એ પણ ભીડતંત્રનો એક ભાગ જ હતો ?