અમદાવાદ : શહેરની SVP હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. અમદાવાદમાં વહેલી સવારે મીઠાખળીમાં એક મકાન ધરાશાહી થવાથી જેટલા વ્યક્તિને ઈજા પહોંચી હતી. તમામ લોકોને 108 મારફતે SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં એક વ્યક્તિ દીઠ સીટી સ્કેન અને સારવાર અર્થે 8000 રૂપિયા માંગવામાં આવ્યા હતા. જેને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા SVP હોસ્પિટલમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.
750 કરોડના ખર્ચે 1500 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે. તે સમયે ભારતીય જનતા પાર્ટીએ વચન આપ્યું હતું કે, આ હોસ્પિટલમાં ગરીબ દર્દીને સારી સારવાર મળી રહેશે. ભાજપ દ્વારા SVP હોસ્પિટલ પ્રાઇવેટ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આજ સવારે મીઠાખળી મકાન ધરાશાયી થવાની ઘટના 4 વ્યક્તિને સારવાર માટે SVP હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં તે લોકો પાસે 24 હજાર રૂપિયા માગવામાં આવ્યા હતા. તેમની પાસે પૈસા ના હોવાના કારણે LG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા હોસ્પિટલ ખાતે વિરોધ કરવામાં આવ્યો છે. -- શહેઝાદ ખાન પઠાણ (વિપક્ષ નેતા, AMC)
ઇજાગ્રસ્ત મહિલાનો આક્ષેપ : ઉલ્લેખનીય છે કે, સવારે મકાન ધરાશાયી થતા ચાર વ્યક્તિને SVP હોસ્પિટલમાં 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક વ્યક્તિ દીઠ 8,000 માંગ્યા હોય તેવા આક્ષેપ ઇજાગ્રસ્ત શિલ્પાબેને કર્યો હતો. તેમને જણાવ્યું હતું કે, હું અને મારી દીકરી સહિત અન્ય 4 લોકો ફસાયા હતા. તાત્કાલિક કાટમાળ હટાવી અમને બહાર કાઢવામાં આવ્યા હતા. મારી દીકરીને પગે વાગ્યું હતું. અમે સારવાર માટે SVP હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં સીટી સ્કેન માટે એક વ્યક્તિ દિઠ 8000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ અમારી પાસે એ પૈસા ન હોવાથી અમે મીઠાખળી પરત આવ્યા હતા.
વિવાદિત ઇતિહાસ : અગાઉ પણ SVP હોસ્પિટલ અનેક વખત ચર્ચામાં આવી છે. ત્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા SVP હોસ્પિટલ ખાતે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, હોસ્પિટલ ગરીબો માટે નહી પરંતુ ઉદ્યોગપતિઓ માટે જ બનાવવામાં આવી છે. SVP હોસ્પિટલમાં આ પહેલા પણ માઁ કાર્ડ કે આયુષ્યમાન કાર્ડ ચલાવવામાં ન આવતું હોય તેવા પણ કિસ્સો સામે આવ્યો હતો. સાથે 750 બેડની હોસ્પિટલ હોવા છતાં પણ 200 જેટલા બેડ વાપરવામાં આવી રહ્યા છે. તેને લઈને પણ અનેકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામાન્ય સભામાં પણ ભારે વિરોધ જોવા મળ્યો હતો.