અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ દ્વારા ભાજપના 'મેરી મીટ્ટી, મેરા દેશ' અભિયાનનો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં કૉંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાના દ્વારા કરવામાં આવતા વિરોધની માહિતી આપી હતી. કૉંગ્રેસે આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર કર્યા હતા આકરા વાકપ્રહાર.
કેવી રીતે વિરોધ કરાશેઃ ભાજપના 'મેરી મીટ્ટી, મેરા દેશ' અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાંથી માટી કળશમાં ભરીને દિલ્હી મોકલવામાં આવી રહી છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસે ભાજપના 'મેરી મીટ્ટી, મેરા દેશ' અભિયાનનો વિરોધ કર્યો છે. આ અભિયાનના વિરોધ માટે કૉંગ્રેસે મણિપુરથી માટી મંગાવી છે. આ માટીને ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલને મોકલવામાં આવશે. મણિપુર પણ ભારતનું જ રાજ્ય છે અને એક મહત્વનું અભિન્ન અંગ છે. છેલ્લા છ મહિનાથી ત્યાં હિંસા ચાલી રહી છે પણ સરકાર કોઈ નક્કર પગલાં ભરતી ન હોવાનું જણાવીને કૉંગ્રેસે આ અભિયાનનો વિરોધ કર્યો છે. હવે કૉંગ્રેસ મણિપુરની માટી સી. આર. પાટીલને મોકલીને આ માટી દિલ્હી પહોંચાડવાની છે.
દેશના વડા પ્રધાન પેલેસ્ટાઈનમાં માનવીય મદદ મોકલી રહ્યા છે, પરંતુ તેમણે છેલ્લા છ મહિનાથી સળગતું મણિપુર દેખાતું નથી. મણિપુરમાં જે હિંસાઓ થઈ રહી છે તેમાં ગરીબ આદિવાસીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. હજારો લોકો શરર્ણાર્થી બનીને જીવી રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. તેમ છતા વડા પ્રધાન મણિપુર પ્રત્યે દુર્લક્ષ્ય સેવી રહ્યા છે...પાર્થિવરાજ કઠવાડિયા(કૉંગ્રેસ પ્રવક્તા)
મણિપુર દેશનું એક અભિન્ન અને મહત્વનું રાજ્ય છે. તેની ઉપેક્ષા ચલાવી લેવાય નહીં. અમે મણિપુરમાંથી માટી મંગાવી છે. આ માટીને કળશમાં ભરી અમે કમલમમાં સી. આર. પાટીલ સુધી પહોંચાડીશું. અમારો હેતુ મણિપુરની હિંસાનાસમાચાર વડા પ્રધાન સુધી પહોંચાડવાનો છે જેથી વડા પ્રધાન મણિપુરમાં શાંતિ જાળવવા કોઈ પગલાં ભરે...હેમાંગ રાવલ(કૉંગ્રેસ પ્રવક્તા)