ગાંધીનગરઃ 15મી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો હતો. ત્યારે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પહેલા જ દિવસે ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક 2023 રજૂ કર્યું હતું. ત્યારે કૉંગ્રેસે આ મામલે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકાર ફૂટેલી છે એટલે પેપર ફૂટી રહ્યા છે. આ બિલ ભૂલ ભરેલું છે. જોકે, કૉંગ્રેસ તરફથી અમે સુધારો મુક્યો છે કે, વિદ્યાર્થીને સજા કરવામાં ન આવે પરંતુ તેમને સમજાવવા જોઈએ.
પેપર ફોડનારા આરોપીઓ સામે જોગવાઈઃ સરકારે રજૂ કરેલા આ બિલમાં ધોરણ 10, 12, યુનિવર્સિટી પરીક્ષા કે સરકારી પરીક્ષામાં પેપર ફોડનાર આરોપીઓ સામે જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આ બિલમાં સુધારો મુકતા જણાવ્યું હતું કે, આ બિલમાં વિદ્યાર્થીને સજાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીને સજા કરવાનો હક માત્ર શિક્ષકને જ હોવો જોઈએ.
યુવાનોનું ભવિષ્ય ફૂટી રહ્યું છેઃ મોઢવાડિયાઃ કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2014 પછી કાયદેસર 13 પરીક્ષાના પેપર ફૂટવાના કારણે પરીક્ષાઓ રદ કરવી પડી છે. જ્યારે 10 જેટલી પરીક્ષાઓ રદ કર્યા બાદ લેવાઈ પણ નથી. જેનું મુખ્ય કારણ છે કે, ફૂટેલી સરકાર અને ફૂટેલા માણસો આ પરીક્ષા લેનારના અધ્યક્ષ પદે હોય છે. કુલપતિ હોય કે પછી પરીક્ષા લેનાર તંત્ર હોય તેના કારણે લાખો ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. આજે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ફૂટી રહ્યું છે.
પારદર્શિતા સાથે પરીક્ષા લેવાયઃ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકારે ભૂલ ભરેલું બિલ મુક્યું છે. જે સજા પેપર છોડનારાને કરવી જોઈએ. તેમાં ધોરણ 10 અને 12ના તેમ જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ 3 વર્ષ સજાની જોગવાઈ કરવામાં આવી છે. કૉંગ્રેસ પક્ષ તરફથી મેં આ બિલમાં સુધારો કર્યો છે કે, વિદ્યાર્થીઓને 3 વર્ષની સજા ન કરવી જોઈએ. હું ભાજપ સરકાર સાથે આશા રાખું છું કે, આ સુધારા સાથે બિલ પાસ કરવામાં આવે અને આગામી ભવિષ્યમાં પેપર ન ફૂટે તે માટે પ્રામાણિક અધિકારીઓની નિમણૂક કરવી જોઈએ. યુનિવર્સિટી અને નગરપાલિકા કે મહાનગરપાલિકાની ભરતીઓની પરીક્ષા પણ પારદર્શિકા સાથે લેવી જોઈએ.
આ પણ વાંચોઃ Gujarat assembly session 2023 : ગુજરાતમાં જેટલું દૂધ નથી મળતું તેટલો દારૂ મળે છે, આ કોંગ્રેસ નેતા ઉકળ્યા
સજા કરવાનો અધિકાર માત્ર શિક્ષકનેઃ કૉંગી નેતા અર્જૂન મોઢવાડિયાએ ઉંમેર્યું હતું કે, ગુજરાતમાં 10 લાખ જેટલા શિક્ષણ બોર્ડના વિદ્યાર્થી અને 10 લાખ જેટલા યુનિવર્સિટીના વિદ્યાર્થી ગીરનીતિ કરે તો તેમને સજા કરવાનો અધિકાર માત્રને માત્ર શિક્ષકને હોવો જોઈએ. તો આવા વિદ્યાર્થીઓને 3 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ન થવો જોઈએ. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ગુનેગાર જેવું વર્તન ન કરવું જોઈએ.