- 54 પોલ્ટ્રી ફાર્મમાં સ્થિતિ નિયંત્રણમાં છે
- બર્ડ ફ્લુને રોકવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે
- નળસરોવરના યાયાવર પક્ષીઓના 250 સેમ્પલ નેગેટિવ
અમદાવાદઃ જિલ્લામાં રજીસ્ટર્ડ થયેલા 54 જેટલાં પોલ્ટ્રી ફાર્મમાં અગમચેતીના ભાગરૂપે સર્વે કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ જિલ્લા પશુપાલન શાખાના નાયબ નિયામક સુકેતુભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે, જિલ્લામાં બર્ડ ફ્લૂ રોકવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તકેદારીના ભાગરૂપે કાંકરિયા અને નળસરોવરમાં આવેલા યાયાવર પક્ષીઓના 250 જેટલાં સેમ્પલ પરીક્ષણ અર્થે ભોપાલ વાઈરોલોજી લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી એકપણ પક્ષીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.
16 ટીમો દ્વારા સતત દેખરેક રખાઈ
જિલ્લામાં 16 ટીમો દ્વારા 16 પશુ ચિકિત્સા અધિકારી અને 60 પશુધન નિરીક્ષકો દ્વારા સતત સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેઓ કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે જરૂરી દવાઓ અને સાધનો સાથે ખડેપગે સેવામાં તૈયાર રહ્યા છે. કોઈપણ શંકાસ્પદ પક્ષી દેખાય તો સરકારી ગાઈડલાઈન્સ મુજબ તકેદારીના પગલાં લેવામાં આવશે.
10થી વધુ પક્ષીઓના મતૃદેહના મળે તો જાણ કરો
જિલ્લા પશુપાલન તંત્રએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, ક્યાંય પણ 10 કે તેથી વધુ પક્ષીઓના મૃતદેહ મળી આવે તો તુરંત પશુપાલન વિભાગ અને વન વિભાગને જાણ કરવાની રહેશે.