અમદાવાદ: ઓઢવ વિસ્તારમાં બેંક સાથે જ છેતરપીંડી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઓઢવમાં બેંકમાં ખોટું સોનું જમા કરાવી લોન લઇને ત્રણ લોકોએ બેન્ક સાથે રૂપિયા 6.71 લાખની ઠગાઇ આચરી હતી. જેમાં સોનીએ ખોટા સોનાને સાચું હોવાનું પ્રમાણ પત્ર પણ આપ્યુ હતુ. જેથી બેન્ક મેનેજરે ત્રણ લોકો સામે પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શું છે સમગ્ર મામલો?: નરોડા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય અજય સિંહ સીકરવાર ઓઢવ ખાતેની બેંક ઓફ ઇન્ડીયાની બ્રાંચમાં મેનેજર તરીકે નોકરી કરે છે. બેન્કના સોનાના વેલ્યુલર તરીકે રાજુભાઈ સોની નક્કી કરવામાં આવેલા છે. આ બેંકમાંથી અલ્પેશસિંહ ચૌહાણ અને કિંજલબેન પંચાલે ગોલ્ડ ધિરાણ ઉપર લોન લીધી હતી, જેમાં બંનેના બગસરાના ખોટા દાગીનાને રાજુભાઇ સોનીએ સાચુ સોનુ હોવાનું પ્રમાણપત્ર આપ્યુ હતુ. જેમાં કૃષ્ણનગર વિસ્તારના રહેવાસી અલ્પેશસિંહ ચૌહાણે બેંકમાંથી 6.23 લાખ રૂપિયાની લોન લીધી હતી તથા ઓઢવ વિસ્તારના રહેવાસી કિંજલ પંચાલ નામની મહીલાએ પણ બેંકમાંથી 3.50 લાખની ગોલ્ડ લોન લીધી હતી.
ઠગીનો ખુલાસો: અલ્પેશ સિંહે લીધેલી લોનમાંથી 2.75 લાખ જમા કરાવી દીધા હતા અને કિંજલ બેને 25 હજાર જમા કરાવ્યા હતા. બાદમાં બંને વ્યક્તિઓ લોનના હપ્તા ભરતા ન હતા. બેંક દ્વારા અનેક વખત નોટીસો પણ મોકલવામાં આવી હતી તે છતાંય લોનના બાકી નીકળતા રૂપિયા ભરતા ન હતા. બાદમાં બેંક દ્વારા અન્ય એક સોની પાસે બંનેએ જમા કરાવેલા દાગીના ચેક કરાવતા દાગીના બગસરાના હોવાનું સામે આવ્યું હતું. જે બાદ બેંક વતી મેનેજરે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ આરોપીની તપાસમાં લાગી: આ અંગે આઈ ડિવીઝન એસીપી કુણાલ દેસાઈએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા માટે ટીમો કામે લગાડવામાં આવી છે. આરોપીઓ ઝડપાયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.