અમદાવાદ : અમદાવાદમાં ભાજપના છોટાઉદેપુરના પૂર્વ પ્રમુખ સામે ફરિયાદ નોંધાઈ છે. જશુભાઇ રાઠવા અને તેમની પત્ની સામે સામાજિક કાર્યકરને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદી સામાજિક કાર્યકર છે : છોટાઉદેપુરમાં રહેતા સંદીપ રાઠવાએ આ ઘટના મામલે આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી છોટાઉદેપુરમાં પાવીજેતપુર ખાતે રહેતા હોય અને ખેતી કામ કરી અને ગામમાં અનાજ દળવાની ઘંટી તેમજ પ્રોવિઝન સ્ટોર ધરાવી વેપાર કરતા હોય અને સાથોસાથ સામાજિક કાર્યકર પણ છે.
આ પણ વાંચો ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટને લઈને યુવકને ઢોર માર માર્યો, સમાજે કાર્યવાહીની કરી માંગ
શું થયું હતું : વર્ષ 2019 થી 2021 સુધી ફરિયાદી અમદાવાદમાં પ્રહલાદનગર આનંદનગર પાસે શિવાલિક આર્કેડમાં ઓફિસમાં ઓફિસ વર્ક તરીકે નોકરી કરતા હતા. તે દરમિયાન 29/09/2021 ના રોજ ફરિયાદી ઓફિસે હાજર હતા, તે દરમિયાન તેઓના ફોન ઉપર જશુભાઈ રાઠવા નામની વ્યક્તિએ ફોન કરી જિલ્લા ભાજપ યુવા સંગઠન છોટાઉદેપુરના ગ્રુપમાં ફરિયાદીએ એક મુકેલી પોસ્ટ બાબતે બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને ફોન કાપી નાખ્યો હતો.
ધમકી આપી : જેના થોડા સમય બાદ સંદીપ રાઠવાના ફોન ઉપર અન્ય એક નંબરથી લીલાબેન નામની મહિલાએ ફોન કરી ફરિયાદીએ જે ગૃપમાં પ્રેસ કટીંગ મૂક્યું છે તે સંગ્રામસિંહ પોતાનો દીકરો થાય છે, તેમ કહીને ફરિયાદીને ગાળો આપીને હાથ પગ તોડી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો Happy Cow Hug Day: શા માટે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છો ગાયને ગળે મળવાનો દિવસ
રેતી ચોરીના ગુનામાં સંડોવણી : આ મામલે ફરિયાદીએ તપાસ કરતા ફોન કરનાર જશુભાઈ રાઠવા છોટાઉદેપુર ભાજપના પૂર્વ પ્રમુખ હોવાનું ધ્યાને આવ્યું હતું. અને પ્રેસ કટીંગ જશુભાઈ રાઠવાના દીકરા સંગ્રામસિંહ રાઠવાની રેતી ચોરીના ગુનામાં સંડોવણી અંગેનું હોય અને તે પોતે એ ગ્રુપમાં મોકલી હતી.
અમદાવાદમાં અરજી ટ્રાન્સફર થઇ : તે બાબતે જ તેઓને ધમકી આપવામાં આવી હોય તેઓએ આ મામલે છોટાઉદેપુર જિલ્લાના કરાલી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને જે અરજી અમદાવાદના આનંદનગર ખાતે ટ્રાન્સફર થઈ હોય ત્યારબાદ તેઓએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ લખાવી હતી. આ ઘટના સંદર્ભે આનંદનગર પોલીસે જશુભાઈ રાઠવા અને લીલાબેન રાઠવા સામે ધમકી આપી હોવા અંગે ગુનો દાખલ કર્યો છે.
પીઆઈ શું કહે છે : આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનના પી.આઈ વી એમ દેસાઈએ ETV ભારત સાથે ટેલિફોનિક વાંચિતમાં જણાવ્યું હતું કે આ ઘટના અંગે હાલ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.