ઉઝબેકિસ્તાનના પાંચ દિવસના પ્રવાસ બાદ પરત ફર્યા બાદ મુખ્યપ્રધાને મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે પ્રવાસ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, આવનારા સમયમાં ઉઝબેકિસ્તાન સાથે વ્યાપારિક સબંધ વધુ મજબૂત થશે. આ પ્રવાસ દરમિયાન મુખ્યપ્રધાને વિવિઘ અઘિકારીઓ સાથે અલગ-અલગ મુદ્દાઓ પર મીટીંગ કરી હતી. જેમાં કુલ 140 મીટીંગ કરીને 11 જેટલાં MOU કર્યા હતાં.
આ પ્રવાસમાં મુખ્યપ્રધાને ઉઝબેકિસ્તાનના પ્રમુખ સાથે બે કલાકની ચર્ચા કરી હતી. જેમાં ગુજરાતના વિકાસ અર્થે વિવિધ મુદ્દાઓને લઈને મહત્વની ચર્ચાઓ કરી હતી, ત્યારબાદ ઉબેકિસ્તાનના પ્રમુખે ડેલિગેશનને ગુજરાતની મુલાકાત લેવા જણાવ્યું હતું. આ ઉપરાંત ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલના નામે રસ્તાનું નામકરણ અને સ્ટેચ્યુનું લોકાર્પણ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આમ, ઉઝબેકિસ્તાનના પાંચ દિવસીય પ્રવાસમાં મુખ્યપ્રધાને ગુજરાત સાથેના સંબંધોને મજબૂત કરવાના પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ 24 ઓક્ટોબરે ગુજરાતની 6 બેઠકો પરની પેટાચૂંટણી અને બે રાજ્યોની ચૂંટણીના પરીણામ અંગે વાત કરી હતી. જેમાં ભાજપની જીતનો દાવો કરતાં પક્ષની વાહવાહી કરી હતી.