અમદાવાદ: નરોડા હંસપુરા ખાતે રહેતા વિનોદભાઈ વાઘેલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેઓ પરિવારમાં પત્ની અનિતાબેન વાઘેલા તેમજ ત્રણ બાળકો અને મોટાભાઈ ભાભી સાથે રહે છે. તેઓના ભાઈ ભાભી અપંગ હોય તે ઘરે જ રહેતા હોય ફરિયાદી વિનોદભાઈ પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. તેઓના લગ્ન 15 વર્ષ પહેલા અનિતાબેન સાથે થયા હતા. વિનોદભાઈના પત્ની અનિતાબેન 108 ની સામે સ્વપ્નિલ આર્કેડમાં પાંચમા માળે ઓફિસમાં તેમજ બાજુમાં આવેલા હોલ અને સ્વપ્નિલ એલિગન્ટસની બાજુમાં આવેલા બિલ્ડિંગમાં સાફ-સફાઈ કરવાની મજૂરી કામ માટે જતા હતા. તેઓ સવારે 8 વાગે જતા હોય અને બપોરે દોઢ બે વાગે આસપાસ તમામ જગ્યાનું કામ પતાવીને ઘરે પરત આવતા હતા.
"મહિલાનો મૃતદેહ મળી આવતા આ મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નરોડા પોલીસે આ મામલે આરોપીઓની ધરપકડ કરવા માટે અને હત્યાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે"-- વી.આર યાદવ (જી ડિવિઝનના એસીપી)
જાણવાજોગ ફરીયાદ કરી: તારીખ 18 મી જુલાઈ 2023 ના રોજ સવારના સમયે તેઓના પત્ની અનિતાબેન વાઘેલા ઘરેથી કામ માટે નીકળ્યા હતા. જોકે બપોરે 12:30 વાગે આસપાસ અનિતાબેન જે જગ્યાએ સ્વપ્નિલ એલીગન્સમાં સફાઈ માટે જતા હોય તે મહિલા અને અન્ય જગ્યાઓ પરથી ફોન આવ્યો હતો. ફરિયાદીની પત્ની અનિતાબેન હજુ સુધી કામ માટે આવ્યા નથી તેવી વાત કરી હતી. જેથી તેઓએ તેઓની પત્ની સ્વપ્નિલ માર્કેટમાં ઓફિસમાં કામ કરવા માટે જાય છે, ત્યાં તપાસ કરવાની શરૂ કરી હતી. પાંચમા માળે જઈને ઓફિસમાં તપાસ કરતા ત્યાં તેઓના પત્ની કામે ન આવ્યા હોય તે પ્રકારની હકીકત ધ્યાને આવી હતી. જે બાદ તેઓએ સગા સંબંધીઓને પત્ની અંગે પૂછપરછ કરી હતી. પરંતુ તેઓના પત્ની ક્યાંય પણ ન મળી આવતા તેઓ આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થવા અંગે જાણવાજોગ લખાવી હતી.
હત્યાની ફરિયાદ: જે બાદ તેઓને જાણવા મળ્યું હતું કે સ્વપ્નિલ આર્કેડમાં એક મહિલાની મૃતદેહ મળી આવ્યો છે. જે બાબતે તેઓએ ત્યાં જઈને તપાસ કરતા તે મૃતદેહ તેઓની પત્ની અનિતાબેન વાઘેલાનું અને તેઓને માથાના ભાગે અજાણ્યા વ્યક્તિએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા નીપજાવી હોય તે સામે આવ્યું હતું. આ બાબતને લઈને નરોડા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાઈ છે. નરોડા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ગુનામાં સામેલ 2 શકમંદોની તપાસ શરૂ કરી છે.