નવનિર્મિત તૈયાર કરવામાં આવેલા કાયદા ભવનમાં પહેલા માળે એડવોકેટ જનરલ, મદદનીશ એડવોકેટ જનરલ અને સરકારી વકીલની ચેમ્બરની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે બીજા માળે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર માટે જગ્યા ફાળવવામાં આવી છે.
ત્રીજા માળે કોઈ ખાસ ફંક્શન કે કાર્યક્રમ માટે સેમિનાર રૂમ અને ગ્રાઉન્ડ ફ્લોર પર મુલાકાતીઓ માટે રૂમ ફાળવવામાં આવ્યો છે. કાયદા ભવનનું ઉદ્ઘાટન સાંજે સાડા પાંચ વાગે સુપ્રીમકોર્ટના જસ્ટિસ સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એમ.આર.શાહની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના વર્તમાન કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતા સહિતના કાયદા વિદ્વાન ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે હાલનું જૂનું કાયદા ભવનમાં સુવિધાઓની ઘટ પડતી હોવાથી નવા કાયદા ભવનનું નિર્માણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. નવા કાયદા ભવનમાં વિશાળ બેઠક વ્યવસ્થા, અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજીનો ઉપયોગથી સભર બનાવાયુ છે. નવા કાયદા ભવનમાં કોન્ફરન્સ રૂમ, રેકોર્ડ રૂમ, એડવોકેટ જનરલ ચેમ્બર સહિત અન્ય સુવિધાઓને પગલે પક્ષકારો અને કાયદા વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓને પોતાના કેસનું બ્રિફિંગ કરવામાં મદદરૂપ થશે.