અમદાવાદ: આનંદનગર વિસ્તારમાં રહેતા અને સેટેલાઈટ મેડીલીંક હોસ્પિટલની સામે પુષ્પક 66 ખાતે રાશિ ઓર્નામેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તેમજ પૂજા ઓર્નામેન્ટ પ્રાઈવેટ લીમીટેડ નામે સોના ચાંદીના દાગીનાનો શો રૂમ છે. તેના માલિક મુકેશભાઈ મહેતાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. છેલ્લા 7 વર્ષથી તેઓ બન્ને કંપનીના ડિરેક્ટર તરીકે તેમજ તેમના દિકરા જય મહેતા તેમજ શ્રેય મહેતા છે. વેપારીની કંપનીમાં આશરે 18-18 માણસો છે. તેમજ એકાઉન્ટન્ટ તરીકે કુલદિપ ઉમાકાંત ઓઝા તેમજ નિર્મલ ઇરાની કામ કરે છે. કુલદિપ ઓઝા બેંક પેમેન્ટ તથા બેન્ક સ્ટેટમેન્ટ નું કામ સંભાળે છે.
એન્ટ્રીઓ ચેક કરવાનું શરૂ: ગત તારીખ 8 જૂન 2023 ના રોજ વેપારી પુત્ર સાથે શો રૂમ પર હાજર હતા, ત્યારે શો રૂમ માં નોકરી કરતા કર્મીઓના પગાર કરવાનો હોવાથી કર્મીઓના પગાર નું સ્ટેટમેન્ટ તૈયાર કરી એકાઉન્ટ કુલદિપ ઓઝા પાસે તૈયાર કરાવ્યું હતું. જે ચેક કરતા કર્મીઓનો જે પગાર હતો તેના કરતા એક લાખ રૂપિયા હિસાબમાં લખેલા હોવાનું ધ્યાને આવતા તેઓને એકાઉન્ટન્ટ કુલદિપ ઓઝા પર શંકા ગઈ હતી. જેથી તેઓએ કંપનીના એકાઉન્ટન્ટની એન્ટ્રીઓ ચેક કરવાનું શરૂ કર્યું હતું.
કંપનીના બેન્ક એકાઉન્ટ: તારીખ 20 મી જૂન 2023 ના રોજ વેપારીને જાણવા મળ્યું હતું કે કુલદિપ ઓઝાના નામે 1 લાખ રૂપિયાનો ચેક તારીખ 9 જૂન 2023 ના રોજ આપવામાં આવ્યો છે, જેની એન્ટ્રી વેપારીની કંપની લેજરમાં શ્રેય મહેતાના નામે થઈ હતી, જેથી વેપારીની શંકા વધુ પ્રબળ બની હતી. જે બાદ વેપારીએ કંપનીના બેન્ક એકાઉન્ટ વિગતો અને સ્ટેટમેન્ટ મંગાવી તપાસ કરતા તારીખ 7 જૂન 2022 થી આજ સુધી કુલ 23 લાખ રૂપિયાની રકમની ઉચાપત થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું.
"આરોપી જે શો રૂમમાં નોકરી કરતો હતો ત્યાં જ ઠગાઈ કરી છે. હાલ આરોપીની ધરપકડ કરી તેની તપાસ કરવામાં આવી રહી છે. તેના બેન્ક એકાઉન્ટ સહિતની બાબતોની તપાસ હાથ ધરાઈ છે"-- વી.એમ દેસાઈ (આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ)
શો રૂમમાં નોકરી: જે બાદ વેપારીએ એકાઉન્ટ કુલદિપ ઓઝાને પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે છેલ્લા એકાદ વર્ષથી દર મહિને ત્રણથી ચાર માણસોના નામ પગાર સ્ટેટમેન્ટમાં બતાવી તેઓના નામની સામે પોતાના નામનું તથા શો રૂમમાં નોકરી કરતા 6 અલગ અલગ માણસો બે વાર એકાઉન્ટ નંબર લખી તેઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી તેઓના ખાતામાં વધારાનો પગાર નાખ્યો હોવાથી તે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હોવાની કબૂલાત કરી હતી.