3 વર્ષની સતત તાલીમ પછી કેડેટ્સને ‘સી’ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાં હતા. જે તેમની ગંભીરતા અને દેશ પ્રત્યેની કટિબદ્ધતાનો પુરાવો છે. 3 સર્વિસીસમાં કેડેટની સંખ્યાનાં સપ્રમાણમાં, આર્મી સીનિયર ડિવિઝન/સીનિયર વિંગનાં ટોચનાં ત્રણ કેડેટ તથા નૌકાદળ અને વાયુદળના સીનિયર ડિવિઝન/સીનિયર વિંગ માટે એક-એકને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે રોકડ ઈનામો અને ‘સર્ટિફિકેટ ઑફ મેરિટ’ એનાયત કરવામાં આવ્યા હતા.
એનસીસીમાં ભૂમિદળ, નૌકાદળ અને વાયુદળની પાંખો સામેલ છે તથા યુવાનોને શિસ્તબદ્ધ અને દેશપ્રેમી નાગરિકો તરીકે તૈયાર કરવા માટે કામ કરે છે. એનસીસી ગૃપ બરોડામાં 17 જિલ્લાઓ તથા 125 શાળાઓ અને 60 કોલેજોમાંથી અંદાજે 15,500 વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. આ ત્રણ પાંખોના કેડેટને 15 ઓફિસર્સના મિલિટરી સ્ટાફ અને 171 એએનઓના સહયોગથી 120 પીઆઈ સ્ટાફ તાલીમ આપે છે.
ટ્રેનિંગ સ્ટાફ કેડેટ્સની સોફ્ટ સ્કિલ સુધારવા, શિસ્ત લાવવા અને સારૂં ચરિત્ર ખીલવવા કાર્યરત છે. ગૃપ શ્રેષ્ઠ એર અને નેવલ ટ્રેનિંગ પ્રદાન કરીને સાહસ જગાવવા તેમજ સાથે-સાથે કેડેટને અન્ય સાહસિક પ્રવૃત્તિઓમાં સહભાગી થવા પ્રોત્સાહન આપવા સક્ષમ છે. કેડેટ્સ હૃદયપૂર્વક વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં સહભાગી થાય છે અને નવીનતાનો ઉપયોગ કરે છે, જે ઘણી સામાજિક અને પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ વિશે સ્થાનિકો પર સકારાત્મક છાપ પાડે છે.
મેજર જનરલ રૉય જોસેફે તમામ એવોર્ડવિજેતાઓ અને કેડેટ્સને તેમની સફળતા પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એનસીસીનું શિક્ષણ લેવા પાસ થયેલા તમામ કેડેટ્સને વિનંતી કરી હતી કે, તેઓ ગમે તે ક્ષેત્રમાં પ્રવેશ કરે, પણ એનસીસીને એમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને નેતૃત્વ પર ગર્વ છે.