અમદાવાદઃ કોરોનાના કહેરને ટાળવા માટે ઘરમાં રહો સુરક્ષિત રહો, સામાજિક અંતર અને હાથ ધોવવા ખૂબ જ અગત્યનું છે. ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે. જે હેન્ડ વોશ માટે સેનિટાઈઝર અથવા સાબુ ખરીદી શકતા નથી તેમના માટે નિરમા કંપનીના સ્થાપક કરશન પટેલે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રને 2.20 લાખ સાબુ દાનમાં આપ્યા છે.
નિરમા ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક કરશન પટેલે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રને 2.20 લાખ સાબુ દાનમાં આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં દાનનો મહિમા રહ્યો છે. કોરોનાના કપરાકાળમાં રાજ્ય સરકાર દિવસ-રાત કાર્ય કરી રહી છે, તો સાથે- સાથે સમાજના લોકો વિવિધ પ્રકારે જેની જેવી ક્ષમતા એવી રીતે પોતાનો સહયોગ આ મહામારી સામે લડવા માટે આપી રહ્યા છે. તેવા સમયે અપાયેલા આ સાબુ સ્વચ્છતાને જાળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને કારગત સાબિત થશે.
સામાન્ય ગરીબ વ્યક્તિ પોતાની અને પોતાના પરિવારની સ્વચ્છતાની પૂરી કાળજી રાખી શકશે. ‘તન સ્વચ્છ તો મન સ્વચ્છ’ના ન્યાયે કોરોનાને મ્હાત આપવા અને સ્વચ્છતાને બરકરાર રાખવા માટે કરશનભાઇએ આપેલું આ દાન ઉચિત સમયનું છે.
તજજ્ઞો અને ડૉક્ટરો કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વારંવાર હાથ ધોવાથી ભયાવહ ચેપી રોગથી બચી શકાય છે. આપણે હાથની સ્વચ્છતા માટે આપણે વિવિધ પ્રકારના સેનેટાઇઝર વાપરીએ છીએ. પરંતુ સમાજના નીચલા સ્તર પર રહેલા ગરીબ લોકો માટે તો આજેય સાબુ જ તેમનું સેનેટાઇઝર છે. ઘણી વખત તો સાબુના અભાવે માટી પણ તેમનું સેનેટાઇઝર બની રહે છે.
જો કે કોરોનાના કહેરથી બચવા તો સાબુ અથવા તો સેનેટાઇઝર વાપરવાની સતર્કતા અનિવાર્ય છે. સેનેટાઇઝરની ઊંચી કિંમત હોવાના કારણે સામાન્ય લોકો પણ સાબુનો ઉપયોગ કરે છે. પરંતુ સમાજના આ અકિંચન લોકો માટે તો સાબુ પણ તેમની પહોંચની બહાર બની જતું હોય છે.