- ગુજરાત હાઇકોર્ટમાં Bonded Doctors ની સેવાને લઈને દાખલ થયેલી અરજીનો મામલો
- ડોક્ટર જો સેવા ન આપે તો તેઓ દસ લાખ જમા કરાવી શકે તેવી રજૂઆત અરજદારોના વકીલે કરી
- High Court એ કહ્યું આ સ્થિતિ સામાન્ય દિવસોમાં હોઇ શકે, હાલની પરિસ્થિતિમાં નહીં
અમદાવાદઃ આ સુનાવણી દરમિયાન અરજદારના વકીલે High Court માં રજૂઆત કરી હતી કે હાલ કોરોનાના કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને સ્થિતિ સુધરી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યાં છે. ત્યારે બોન્ડેડ ડોક્ટર ( Bonded Doctors ) પાસેથી બોન્ડની રકમ લઇ સરકારે તેમની સામે એફ.આઇ.આર કરવાનો નિર્ણય પડતો મૂકવો જોઈએ. જેની સામે નામદાર હાઈકોર્ટે ( High Court ) સરકાર પાસેથી જવાબ માગ્યો હતો કે હાલની સ્થિતિમાં શું ડોક્ટર પાસેથી ફરજિયાત સેવા ઈચ્છે છે કે કેમ? આ માટેની વધુ સુનાવણી 30 જુલાઈએ હાથ ધરાશે.
આ પણ વાંચોઃ NDPSના કેદીઓને ટેલિફોનની સુવિધા પૂરી પાડવામાં ન આવતી હોવાને લઇ કોર્ટમાં અરજી
બોન્ડની રકમ જમા કરી ગ્રામીણ વિસ્તારમાં સેવાથી બચી જવાની વાત
અહીં ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે બોન્ડેડ ડોક્ટર ( Bonded Doctors ) સામે કાર્યવાહી કરવા આપેલી નોટિસ સામે અગાઉ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ( High Court ) અરજી દાખલ કરવામાં આવી હતી જેની સુનાવણી આજે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી પારડીવાલાની ખંડપીઠમાં હાથ ધરાઇ હતી. આ સુનાવણી દરમિયાન અરજદારોના વકીલ સંજય હેગડેએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે કેવા સંજોગોમાં ડોક્ટરો કે જેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હોય અને નિયમ મુજબ તેમણે ગ્રામ્ય વિસ્તાર અને ટ્રાયબલ વિસ્તારમાં સેવા આપવાની હોય છે જો તેઓ આ સેવા ન આપે તો તેમણે બોન્ડની રકમ જમા કરાવવાની હોય. આ દરમિયાન ચીફ જસ્ટિસ વિક્રમનાથએ જણાવ્યું કે આ તમામ નિયમો માત્ર સામાન્ય સ્થિતિમાં લાગુ હોઈ શકે છે, હાલની પરિસ્થિતિ એક્સ્ટ્રા એકસ્ટ્રા ઓર્ડિનરી સ્થિતિ છે.
શું છે ડૉક્ટર્સની રજૂઆત?
ઉલ્લેખનીય છે કે ( Bonded Doctors ) ડોક્ટર્સની રજૂઆત છે કે તેઓ બોન્ડની રકમ જમા કરાવવા રાજી છે. પરંતુ સરકાર હાલની પરિસ્થિતિને જોતાં બોન્ડની રકમ ન લઇ ડોક્ટર્સને નોકરી કરવા ફરજ પડી રહી છે. જો તેઓ આ પ્રકારે ન વર્તે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે નોટિસ પાઠવવામાં આવી છે. આ સામે ડોક્ટર્સની રજૂઆત છે કે હાલ તેમના જે કોન્ટ્રાક્ટ ચાલી રહ્યા છે તેને તેઓ વચ્ચેથી ભંગ ન કરી શકે. બીજીતરફ તેમની રજૂઆત એ પણ છે કે માત્ર સરકારી કોલેજના જ વિદ્યાર્થીઓને શા માટે સેવા માટે બોલાવવામાં આવી રહ્યાં છે? ખાનગી કોલેજમાંથી ડોક્ટરને કેમ બોલાવવામાં નથી આવતાં?
આ સાથે Bonded Doctors નો પક્ષ મૂકતાં એડવોકેટ અમિત પંચાલે ETV ભારતની સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હાલ કુલ 251 ડોક્ટર્સમાંથી 185 ડૉક્ટર્સે પહેલાથી કોરોનાની સેવા આપી ચૂકયાં છે. બીજા કિસ્સામાં જે ડોકટર્સ કેન્સરના દર્દીની સારવાર કરી રહ્યાં હોય તો શું તેણે અધવચ્ચેથી સારવાર આપવાની છોડી દેવાની? જો કે આજે થયેલી સુનાવણી બાદ નામદાર હાઇકોર્ટે ( High Court ) સરકારને કોર્ટમાં સોગંદનામું રજૂ કરવા કહ્યું છે. આ માટેની વધુ સુનાવણી 30 જુલાઈએ રાખવામાં આવી છે.