મળતી માહિતી મુજબ શહેરના નવા નરોળામાં રહેતા દાનસિંઘ સિકરવાર ટ્રાવેલ્સનો ધંધો કરે છે. સોમવારના રોજ મેઘાણીનગરમાં વિદ્યાનગર પોલીસ ચોકીની બાજુમાં આવેલા એક પ્લોટમાં સર્વોદય સેવા સમિતિના મેમ્બર શિવદત શર્માએ સમાજનો સંમેલન કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, ધારાસભ્ય બલરામ થાવાણી તથા અન્ય કાઉન્સિલરો પણ હાજર હતા. એકબીજાને મળવાનો કાર્યક્રમ ચાલુ હતો ત્યારે અચાનક જ દૂરથી એક અજાણ્યા શખ્સે પથ્થરમારો કર્યો હતો. જેમાંથી એક પથ્થર બલરામ થાવાણીની કાર પર પડતા કારનો કાચ તૂટી ગયો હતો. બીજો એક પથ્થર દાનસિંઘને વાગ્યો હતો.
કોઈ કંઈ સમજે તે પહેલાં જ આ ઘટના બની ગઈ હતી. બનાવ બાદ દાનસિંઘને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે દાનસિંઘે પોલીસને જાણ કરતા મેઘાણીનગર પોલીસે IPC 337, 427 મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ બાબતે મેઘાણીનગર PIનું કહેવું છે કે કોઈએ વીડિયો લીધો હશે તો તેની તપાસ કરીને આરોપીને પકડીશું, આ ઉપરાંત આસપાસના CCTV ફૂટેજ કબ્જે કરીને તપાસ કરવામાં આવશે.