અમદાવાદ : ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અમદાવાદના ટાગોર હોલમાં કારોબારીની બેઠક યોજાઇ હતી. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતાં. ભાજપ દ્વારા યોજાયેલી આ કારોબારી બેઠકમાં સરકારના 9 વર્ષોના કાર્યકાળમાં ભાજપ સરકારના સફળતાના 9 વર્ષ દરમ્યાન વિકાસ કાર્યો, લોક નીતિઓ અને તેના અમલ વિશે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી.
શું થઇ ચર્ચા : ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ લોકસભા, વિધાનસભા અને બુથ લેવલે એક મહિના સુધી યોજવામાં આવનાર કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જે અનુસંધાને ભાજપના મહામંત્રી પ્રદીપ વાઘેલાએ વિગતો શેર કરી હતી. ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત એક મહિના સુધી સમગ્ર ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે. ભાજપના સાશન ને 9 વર્ષ પુરા થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની કારોબારી મિટિંગમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. 30મી મે થી 30 જુલાઈ સુધી ભારતીય જનતા પાર્ટી મહાસંપર્ક અભિયાન શરૂ કરશે.
ભાજપ દ્વારા આ કાર્યક્રમો થકી ગુજરાતના તમામ નાગરિકોને વ્યક્તિગત મુલાકાત કરાશે. તમામ સ્તરે, દરેક લેવલ સુધી જનસંપર્ક ઉપરાંત સમગ્ર દેશમાં 51 મોટી જનસભાઓનું આયોજન કરવામાં આવશે. આઆયોજન કેન્દ્રીય પાર્ટી દ્વારા કરવામાં આવશે. ગુજરાત પ્રદેશમાં આવેલા તમામ લોકસભા અને વિધાનસભા ક્ષેત્રમાં જનસભાઓ યોજવામાં આવશે અને નાનાથી લઈ મોટા તમામ મોરચાના સંયુક્ત સંમેલન પણ કરવામાં આવશે...પ્રદીપ વાઘેલા (મહામંત્રી, પ્રદેશ ભાજપ)
9 સાલ બેમિસાલ : પ્રદેશ કારોબારી યોજાયા બાદ "9 સાલ બેમિસાલ"ના સૂત્ર સાથે જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અને મુખ્યપ્રધાન સાથે સી આર પાટીલ અને લોકસભાના સાંસદો, ધારાસભ્યો સહિત રાજ્યના હોદ્દેદારો ઉપસ્થિતિ રહ્યાં હતાં. ભાજપ પ્રદેશ કારોબારીમાં રાજ્યસ્તરે કાર્યક્રમો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં લોકસભા અને વિધાનસભા સ્તરે સાંસદ અને ધારાસભ્યોએ જિલ્લા લેવલ સુધી 30 મેના રોજ દેશની અંદર વિશેષ અભિયાન શરુ કરવામાં આવશે.
એક મહિના સુધી કાર્યક્રમો યોજાશે : આ અભિયાન અંતર્ગત અલગ અલગ માધ્યમો એક મહિના સુધી કાર્યક્રમો યોજવામાં આવશે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પ્રબુદ્ધ નાગરિકોને સંબોધન કરવામાં આવશે. જેમાં જિલ્લા શહેર ગ્રામ્ય તમામ લેવલના કાર્યકર્તાઓને આવરી લેવામાં આવશે. સાથે આ અભિયાનમાં અલગ અલગ મોરચાઓ જોડાશે. દરેક જિલ્લાની અંદર અલગ અલગ કાર્યક્રમ યોજાશે અને દરેક જિલ્લા કક્ષાએ જિલ્લાના અધ્યક્ષોની જાહેર માધ્યમોમાં જાણકારી આપશેે.
સન્માન પણ થશે : જનસંપર્ક કાર્યક્રમ દરમ્યાન દરેક જિલ્લાના ભાજપના આગેવાનો સંસદસભ્યો દ્વારા વિશિષ્ટ વ્યક્તિઓની યાદી બનાવવામાં આવશે. જેમાં સમાવેશ કરાયેલા લોકોનુંં સન્માન કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત 7 દિવસની અંદર યાદી તૈયાર કરી પૂર્ણ કરવામાં આવશે. ભાજપ દ્વારા વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવામાં આવશે.