અમદાવાદ: જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં ભાઈપુરા વોર્ડમાં કોંગ્રેસ દ્વારા કલાભાઈ રણછોડભાઈ નામની વ્યક્તિને ભાજપનો ખેસ પહેરાવી વીડિયો બનાવી રાજ્ય સરકાર કે ભાજપ તરફથી કોઇ પ્રકારની રાશનની સહાય મળી નથી તેવું બોલાવવામાં આવી રહ્યું છે, પરંતુ સાચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભાજપ દ્વારા, અમરાઈવાડીના ધારાસભ્ય દ્વારા પંદર દિવસ અગાઉ કલાભાઈ રણછોડભાઈને 12 કિલોની 2 રાશન કીટમાં એક મહિનો ચાલે તેટલું અનાજ આપવામાં આવ્યું હતું.
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રણછોડભાઈ કલાભાઈનું રેશનકાર્ડ તપાસતા માલુમ પડ્યું છે કે, તેઓ એપીએલ કાર્ડ ધારક છે અને તેમને પૂરતા પ્રમાણમાં અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. કોરોના મહામારીની આ ગંભીર પરિસ્થિતિમાં કોંગ્રેસ પોતાની નકારાત્મક રાજનીતિ છોડે સૌની સાથે મળી જનતાની ચિંતા કરે.
બીજા વીડિયોમાં રણછોડભાઈ કલાભાઈ સ્વીકારે છે કે, તેમને ભાજપ દ્વારા અગાઉની બે રાશન કીટ સહિત કુલ ચાર કીટ આપવામાં આવી છે, રાજ્ય સરકાર દ્વારા પણ પૂરતું અનાજ મળ્યું છે અને તેઓ અગાઉના વીડિયોમાં જે બોલ્યા હતા તે બદલ માફી પણ માગી હતી. જગદીશ વિશ્વકર્માએ શહેરના વેજલપુર વિસ્તારના શ્રીધરન નામના એક વ્યક્તિ કે, જે હાલ ભાજપની કોઈ જવાબદારી કે હોદ્દા પર નથી અને વીડિયોમાં સરકારની આલોચના કરી રહ્યાં છે. આ અંગે પણ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, આ વ્યક્તિ પણ કોંગ્રેસનો રાજકીય હાથો બની આ પ્રકારના બેબુનિયાદ નિવેદન કરી રહ્યો છે.