અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઓ આદરી દીધી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પુરી થતાની સાથે જ ભાજપ લોકસભાની ચૂંટણીમાં લાગી ગયું છે. ભાજપના કદાવર નેતાઓની સાથે દરેક નાનાથી લઇને મોટો સભ્ય લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પુરજોશથી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે ગાંધીનગર જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા અને સરકારી યોજનાના લાભ લોકો સુધી પહોંચ્યા છે કે નહી તે સમીક્ષા કરી હતી.
41 સરોવરનું કામ પૂર્ણ થયું: કેન્દ્રીય ગૃહપ્રધાનના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ કેન્સરના સર્વે, સ્ક્રિનિંગ અને સારવાર અભિયાન અંતર્ગત 1 લાખ 49 હજારથી વઘુ વ્યક્તિઓનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લામાં 76 અમૃત સરોવરના નિર્માણના લક્ષ્યાંક સાથે 41 સરોવરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેની સાથે પ્રધાનમંત્રી જનઘન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જયોત બીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ જેવી અનેક ફલેગશીપ યોજનામાંની કામગીરી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.
ગાંધીનગર જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર: આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઇ પટેલ, અમદાવાદ(પૂર્વ)ના સાસંદ હસમુખભાઇ પટેલ, નગરપાલિકાના પ્રમુખ, રાજયસભાના સાંસદ નરહરિભાઇ અમીન, ગાંધીનગર (દ)ના ઘારાસભ્ય અલ્પેશભાઇ ઠાકોર, દહેગામના ઘારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ઘારાસભ્ય જયંતિભાઇ પટેલ, કલોલના ઘારાસભ્ય બકાજી ઠાકોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી.કે.પટેલ તાલુકા પંચાયત પ્રમુખ, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌતમ, નિવાસ અધિક કલેકટર ભરત જોષી, જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરમાં 95 ટકાથી વધુ કામગીરી: આ બેઠકમાં રજૂ કરવામાં આવેલા પ્રેઝેન્ટેશન અનુસાર ગાંધીનગર જિલ્લામાં ઉજ્જવલા યોજના અંતર્ગત જાન્યુઆરીથી માર્ચ 2023 સુઘીમાં 59 હજારથી વઘુ એલ.પી.જી. સિલિન્ડર વિના મૂલ્યે રીફીલીંગ કરી આપવામાં આવ્યા છે. એન.એફ.એસ.એ. યોજના અને પી.એમ.જી.કે.વાય. યોજના અંતર્ગત 95 ટકાથી વઘુ કામગીરી કરવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએ પ્રઘાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2022 સુઘીમાં 95 ટકા કામગીરી કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 100 ટકા શૌચાલય નિર્માણ કરવામાં આવ્યું છે. નલ સે જલ યોજના અંતર્ગત ગુજરાતમાં પ્રથમ ગાંધીનગર જિલ્લો 100 ટકા નળ જોડાણ ઘરાવતો જિલ્લા જાહેર કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના વિકાસની નવી ઊંચાઈ: ગાંધીનગર જિલ્લાની દિશાની બેઠકમાં જિલ્લામાં કેન્દ્ર સરકારની વિવિઘ યોજના થકી થયેલા વિવિધ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તેની સાથે આગામી સમયે ગાંધીનગર જિલ્લાને વિકાસની નવી ઊંચાઇએ લઇ જવા સાથે સાથે જિલ્લામાં જનસુખાકારીના કામો અને વિવિધ યોજનાઓના લાભ કેમ વધુમાં વધુ સાચા લાભાર્થીઓને સરળતાથી મળી રહે તે માટે વિચાર-વિર્મશ કરવામાં આવ્યો હતો.