અમદાવાદ: ગ્રાહક અને હેર કટીંગ સલૂનમાં કામ કરતા લોકો એમ બંનેના સ્વાસ્થ્યની જાળવણી થાય તે માટે સલામતીના પગલા લેવાના શરૂ કર્યા છે. ધંધા-રોજગાર પણ સચવાય અને કોરોના વાઇરસનું સંક્રમણ પણ ન ફેલાય તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે. તેના માટે જ હેર કટિંગ સલૂન સેનેટાઈઝર, યુવી મશીન અને પીપીઇ કીટનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ આ તમામ તકેદારીના સાધનો જે ઉપયોગમાં લેવાય છે તેનો ખર્ચો પણ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવી રહ્યો છે.
લોકડાઉન પહેલા જે વાળ કપાવવાનો ખર્ચો 70 થી 90 રૂપિયા થતો હતો તેનો ખર્ચો અત્યારે 200થી 300 રૂપિયા જેટલો થાય છે. તેની પાછળનું કારણ સલૂન દ્વારા આપવામાં આવતી પીપીઈ કીટ અને બીજી ડીસ્પોસેબલ વસ્તુઓ છે. વાળ કાપવા માટે સાધનોને યુવી લેમ્પ દ્વારા પ્રોટેકશન સાથે સેનેટાઇઝ પણ કરવામાં આવે છે, અને સંક્રમણ ન થાય તે માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ઉપયોગ કરવામાં આવે છે.
બીજી તરફ જ્યાં મહિલા થ્રેડિંગ કરાવતા તેના પણ ભાવમાં 30થી 40 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યું છે, અને તેની પાછળનું કારણ પણ તેમની સેફટી જ આપવામાં આવી રહ્યું છે. શહેરના મોટાભાગના સલૂનમાં આ પ્રકારની જ લૂંટ ચલાવવામાં આવી રહી છે. કેટલાક સલૂનમાં લોકોએ ડિસ્કાઉન્ટ આપવાના બંધ કર્યા છે તો ક્યાંક ભાવ વધારીને લોકોને છેતરી રહ્યા છે.
શહેરના એક પ્રીમિયમ સલૂનમાં કામ કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, " હાલ જે પ્રમાણેની પરિસ્થિતિ છે એ પ્રમાણે લોકોની સેફટી અમારા માટે મહત્વની છે પણ સાથે સાથે અમારો ધંધો રોજગાર પણ મહત્વનો છે.આ પીપીઈ કીટ તેમજ બધીજ ડીસ્પોસેબલ વસ્તુઓ અમે અમારા ખર્ચે લાવીએ છીએ અને આ વસ્તુઓ પણ મોંઘી હોવાથી અમને પણ પોસાતું નથી, અને તેના માટે થઈને અમે ભાવ વધારી દીધા છે. "