અમદાવાદ: બાબા બાગેશ્વરના અમદાવાદના વટવા ખાતે આવેલા શ્રીરામ મેદાનમાં દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. જોકે તે પહેલા બાબા બાગેશ્વર હિંમતનગર ખાતે આવેલા બાલાજી ફૂડ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વટવા ખાતે દિવ્ય દરબારમાં ભક્તોને આશીર્વાદ આપી કોટક હાઉસમાં રાત્રી રોકાણ કરશે. બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં રોકાયા છે.
ગઈકાલે કેન્સલ થયો હતો કાર્યક્રમ: ગઈકાલે વરસાદ વેરી બનતા અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રોગ્રામ કેન્સલ કરવાની નોબત આવી હતી. અમદાવાદના ઓગણજ ખાતે 29 અને 30 મેના રોજ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાવાનો હતો પરંતુ કાર્યક્રમ સ્થળ પર પાણી ભરાઈ જતા 29 મેનો કાર્યક્રમ રદ્દ કરાયો હતો. બુધવારે સવારે 8 વાગે બાબા બાગેશ્વર અમદાવાદથી હવાઈ મારફતે સોમનાથ પહોચશે જ્યાં પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ દાદાના દર્શન કરી બાદમાં ત્યાંથી રાજકોટ પહોચશે અને જ્યાં બે દિવસીય દિવ્ય દરબારમાં ઉપસ્થિત રહશે. આજે સવારે સરખેજમાં ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતી બાપુ પહોંચ્યા હતા. તેઓ બાબા બાગેશ્વરને લંબે નારાયણ આશ્રમના પ્રવેશદ્વારના ભૂમિ પૂજન માટે આમંત્રણ આપવા પહોંચ્યા હતા.
રાજકોટમાં પણ ભરાશે દિવ્ય દરબાર: રાજકોટ ખાતે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દિવ્ય દરબાર પહેલા 29મી તારીખે રાજકોટના રાજમાર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ ભાગ લેશે. તો 3 જૂનના વડોદરામાં બાબાનો એક દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.