અમદાવાદ: બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી 10 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે સુરતમાં દિવ્ય દરબારના આયોજન બાદ બાબા બાગેશ્વર અમદાવાદ પરત ફર્યા હતા. અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે અંબાજીમાં અંબાના દર્શન માટે ગયા હતા. ત્યાંથી પરત અમદાવાદ આવી તેઓ જાસપુર ખાતે ઉમિયાધામ ખાતે મા ઉમિયાના દર્શને ગયા હતા. જે બાદ તેઓ એસપી રિંગ રોડ પર ઝુંડાલ સર્કલ પાસે આવેલા રાઘવ ફાર્મ ખાતે ગુરુ વંદના કાર્યક્રમમાં હાજર રહેવાના હોય તેને લઈને મોટી સંખ્યામા સંતો કાર્યક્રમમાં પહોંચ્યા છે.
દિવ્ય દરબારને લઈને લોકોમાં ઉત્સાહ: બાબા બાગેશ્વર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત અલગ અલગ જગ્યાઓ પર લોક દરબારમાં ઉપસ્થિત રહેવાના હોય તેને લઈને ભક્તોના પણ ઉત્સાહ જોવા મળી હતો. ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત સહિત અલગ અલગ ધાર્મિક સ્થાનોના સંતો અને ઋષિ બાપુઓ પહોંચ્યા હતા.
'બાબા બાગેશ્વર જે કામ કરી રહ્યા છે તે ખૂબ જ સારું છે. ધન્ય છે એ માતાને જેણે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જેવા દીકરાને જન્મ આપ્યો છે જે સનાતન હિન્દૂ અને હિન્દૂ રાષ્ટ્ર માટે આટલી મહેનત કરી રહ્યા છે.' -કાલિદાસબાપુ
વરસાદનું વિઘ્ન: બાબા બાગેશ્વર કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા જ ગાંધીનગર સહિત અમદાવાદમાં ભારે વરસાદ વરસતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કાર્યક્રમમાં મોડા પહોંચ્યા હતા. જોકે તેઓના દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો વરસતા વરસાદ વચ્ચે પણ સભા સ્થળે ઉપસ્થિત રહ્યા હતા અને જે બાદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઝુંડાલ ખાતે રાઘવ ફાર્મ પર પહોંચતા તેઓની ગાડીને ભક્તોએ ઘેરી લીધી હતી.
ગાડીને ભક્તોએ ઘેરી: પોલીસને પણ મુશ્કેલી પડી હતી. જે બાદ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પાછળના દરવાજે પાર્ટી પ્લોટના કાર્યાલયમાં લઈ જવામાં આવ્યા હતા. થોડી મિનિટો ત્યાં રોકાયા બાદ તેઓ ત્યાંથી ઇસ્કોન ખાતે જવા માટે રવાના થયા હતા. મહત્વનું છે કે સતત ત્રણ કલાક સુધી વરસાદ વરસતો હોવા છતાં પણ હજારોની સંખ્યામાં બાબા બાગેશ્વરના સમર્થકો કાર્યક્રમ સ્થળથી હલ્યા ન હતા.