અમદાવાદ: બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી 10 દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે અમદાવાદમાં યોજાનાર કાર્યક્રમને લઈને તેઓ અમદાવાદ પહોંચ્યા છે. વટવા ખાતે દેવકીનંદન મહારાજના શિવ મહાપુરાણ કાર્યક્રમમાં બાબા બાગેશ્વર હાજરી આપશે.
ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચ્યા: ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા તેઓને આવકારવા માટે મોટી સંખ્યામાં સાધુ સંતો પહોંચ્યા હતા. અમદાવાદમાં 29 અને 30મેના રોજ યોજાનાર દિવ્ય દરબારના આયોજક પરસોત્તમ શર્મા અને અમિત શર્મા સહિત અનેક સાધુ સંતો, મહંતો એરપોર્ટ ખાતે બાબા બાગેશ્વરને આવકારવા પહોંચ્યા હતા. ડીજેમાં ભજન સાથે બાબા એરપોર્ટથી રવાના થયા હતા.
પોલીસ અને બાઉન્સરનો વીઆઈપી બંદોબસ્ત: અમદાવાદમાં વટવા ખાતે દેવકીનંદનની શિવ મહાપુરાણનું આયોજન કરાયું છે, જેમાં બાબા બાગેશ્વર આશિર્વચન આપવાના છે જેને લઈને ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આગમનને લઈને પોલીસ અને બાઉન્સર વીઆઈપી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
કાર્યકરોમાં અનેરો ઉત્સાહ: અમદાવાદમાં ચાણક્યપુરીમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરનાર આયોજક પુરસોત્તમ શર્મા અને અમિત શર્માએ જણાવ્યું હતું કે અમે બાબાનું સ્વાગત કરવા આવ્યા છીએ. કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાબા નહીં પણ અમારા ભગવાન આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
" બાબા બાગેશ્વર ધામ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આપણે સૌએ ગૌરવ લેવાની જરૂર છે. બાગેશ્વર ધામનો હિન્દૂ રાષ્ટ્રનો સંકલ્પ છે, ત્યારે તેઓનું ભવ્ય સ્વાગત છે. " - શાસ્ત્રી કૌશિક મહારાજે
જુદા જુદા શહેરોમાં દિવ્ય દરબાર: તારીખ 25 મેથી 3 જૂન સુધી તેઓ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી જુદા જુદા શહેરોમાં ફરીને દિવ્ય દરબાર યોજશે. અમદાવાદથી એના ગુજરાત પ્રવાસની શરૂઆત થઈ રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને સુરતમાં કાર્યક્રમો યોજાવાના છે. તેમની સાથે મોટી સંખ્યામાં તેમનો સુરક્ષા સ્ટાફ અને વિવિધ રાજ્યોમાંથી પણ ભક્તો આવે એવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. એમના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ પર ખાનગી સંસ્થાના સુરક્ષા જવાનો મૂકી દેવામાં આવ્યા હતા. જ્યારે સાધુ સંતોનો સંઘ પણ એરપોર્ટ એમને આવકારવા માટે પહોંચ્યો હતો.