- GTUના આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ઓશોક ચાવડાને તેમના ગીત માટે મળ્યો એવોર્ડ
- રણોત્સવ દરમિયાન આપવામાં આવ્યો એવોર્ડ
- ડો. અશોક ચાવડાએ માન્યો ટીમનો આભાર
અમદાવાદ:ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ખાતે આસિસ્ટન્ટ રજિસ્ટ્રારના પદ પર કાર્યરત અને યુવા સાહિત્યકાર ડૉ. અશોક ચાવડાને તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મક્ષેત્રે વર્ષ 2019-20 દરમિયાન રીલિઝ થયેલી ફિલ્મ ગુજોત્સવ પ્રોડક્શનની 'કુટુંબ' ફિલ્મમાં ભાઈ-બહેનનો પ્રેમ દર્શાવતું ગીત ‘રેશમી દોરો છલકતી આંખડી આવી, અબોલા બહેન સાથે છે છતાં પણ રાખડી આવી' માટે ગુજરાત ટુરિઝમ દ્વારા ફિલ્મ એક્સેલન્સ ઍવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠ ગીતકાર તરીકેનો ઍવોર્ડ રણોત્સવ દરમિયાન જાહેર કરવામાં આવ્યો છે.
વર્ષ 2019-20 દરમિયાન રીલિઝ થયેલ ગુજરાતી ફિલ્મ “કુટુંબ” માટે ફિલ્મ એક્સેલન્સ ઍવોર્ડ મળ્યો
સાહિત્ય ક્ષેત્રે ‘બેદિલ’ના ઉપનામથી જાણીતા ડૉ. અશોક ચાવડાએ એવોર્ડ મળવા બદલ દિગ્દર્શક બિપિન બાપોદરા , સંગીતકાર મૌલિક મહેતા અને ગાયક વિક્રમ ઠાકોરનો આભાર માનતાં જણાવ્યું હતું કે, આ શ્રેણીમાં પસંદગી થવા બદલનો શ્રેય સમગ્ર “ કુટુંબની” ટીમને જાય છે. આ અગાઉ તેઓને 'ડાળખીથી સાવ છૂટાં' પ્રતિબદ્ધ કવિતાસંગ્રહ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા ભારત સરકારનો 'સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર-2013' અને ગુજરાત સરકારનો 'દાસી જીવણ એવોર્ડ-2014' પણ મળી ચૂક્યો છે. 'પગરવ તળાવમાં' ગઝલસંગ્રહ અને 'પીટ્યો અશ્કો' હાસ્ય કવિતાસંગ્રહ માટે અનુક્રમે ગુજરાત સરકાર તરફથી 'યુવા ગૌરવ પુરસ્કાર-2012' અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સર્વશ્રેષ્ઠ પુસ્તકનાં પારિતોષિક પણ મેળવી ચૂક્યા છે.
આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મનું પોસ્ટર પ્રથમવાર કેન્દ્રીયપ્રધાનના હસ્તે રિલીઝ થયું
અગાઉ પણ ઘણા એવોર્ડ ડો.અશોકના નામે
વર્ષ-2016નો 'રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા ઍવોર્ડ' પણ તેમના નામે છે. શૈક્ષણિક ક્ષેત્રે પણ તેઓએ પૂર્વે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર અને હાલ જીટીયુ ખાતે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. સાહિત્યિક ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સેવા બદલ માર્ચ-2017માં આદરણીય રાષ્ટ્રપતિ સાથે 'રાઇટર્સ ઇન રેસિડન્સ' અંતગર્ત 15 દિવસ રાષ્ટ્રપતિભવનના મહેમાન બન્યા હતા.
આ પણ વાંચો : જામનગરમાં ફિલ્મ જસ્ટિસની સ્ટારકાસ્ટ ફિલ્મ પ્રમોશન માટે આવી