મૃતક દીપેશના પિતા પ્રફુલ વાઘેલા વતી અમદાવાદ સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં કેસની ફરી તપાસ કરવામાં આવે તેમજ CBIને તપાસ સોંપવાની માંગણી કરતી રજૂઆત કરવામાં આવી હતી. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તપાસ સામે મૃતકના પરિવારજનોએ સવાલ ઉભા કરી અસંતોષ વ્યક્ત કરતા અરજીમાં રજૂઆત કરી હતી. અરજીમાં ઉલ્લેખ કર્યો હતો કે જે તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે યોગ્ય તપાસ નથી કરી, તેથી આ કેસના મોટાભાગના આરોપીઓ ફરાર છે. આ કેસની ફરી તપાસ CBIને સોંપવામાં આવે તો આરોપીઓને સજા થાય અને અમને યોગ્ય ન્યાય મળે. અમદાવાદ સેશન્સ કોર્ટ રિવિઝન અરજી 20 જૂલાઈએ સુનાવણી હાથ ધરશે.
કેસમાં અગાઉ મેટ્રો કોર્ટે ફરી તપાસની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં જુલાઈ મહિનામાં શહેરના મોટેરા સ્થિત આસારામ આશ્રમમાંથી ગુમ થયેલા દિપેશ અને અભિષેક નામના બાળકોના સાબરમતી નદીના પટમાંથી રહસ્મયરીતે અને વિકૃત સ્થિતિમાં મૃતદેહ મળી આવ્યા હતા.જેને લઈ તેમના પરિવારજનોએ આસારામ અને આશ્રમ સત્તાવાળાઓ પર તંત્ર-મંત્ર વિદ્યા માટે બંને નિર્દોષ બાળકોની હત્યા કરાઇ હોવા સહિતના ગંભીર આક્ષેપો કર્યા હતા.