અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં નવરાત્રીનો માહોલને લઈને સરકાર તરફ અસમંજસમાં જોવા મળી રહી છે. ત્યારે આયોજકો દ્વારા સતત સરકારને દબાણ કરવામાં આવી રહ્યું છે કે, નવરાત્રિનું આયોજન કરવામાં આવે. ત્યારે બીજી તરફ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા નવરાત્રી ન યોજાય તે માટે પત્ર લખી સતત રજૂઆતો કરવામાં આવી રહી છે.
આ બધા વચ્ચે વધુ એક કલાકારોનું સંગઠન નવરાત્રીનું આયોજન કરવાના સમર્થન કરવા માટે મેદાનમાં ઉતર્યું છે. આ કલાકાર સંગઠને પણ હવે સરકાર સામે બાંયો ચઢાવીને સરકારને રજૂઆત કરી છે કે, આગામી દિવસોમાં નવરાત્રિનું આયોજન થાય તો નાના કલાકારોને અનેક ફાયદા થઈ શકે છે.
કલાકારોના જણાવ્યા મુજબ, લોકડાઉન બાદ સતત 6 મહિનાઓથી કલાકારોને કોઈપણ જાતની રોજગારી મળી નથી. ત્યારે કલાકારોની હાલત ખૂબ જ કફોડી બની છે. સરકારે વિચારણા કરી નાના કલાકારોની દયનીય હાલત સામે જોઈને નવરાત્રીના નાના પાયે આયોજન કરવાની મંજૂરી આપવી જોઈએ. સરકાર જો નાના પાયે મંજૂરી આપતી નથી, તો લગ્ન પ્રસંગ, સંગીત સંધ્યા સહિતના અન્ય કાર્યક્રમોની મંજૂરી આપે તો તેમને રોજગારી મળી શકે છે.
મહત્વની બાબત છે કે, અમદાવાદ મેડિકલ એસોસિએશન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં સતત કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે. ગુજરાતમાં પથારીની અછત છે, હોસ્પિટલ પાસે પૂરતી માત્રામાં ઓક્સિજન નથી. આયોજક અને કલાકારોની જીદને ધ્યાને લેવામાં આવશે અને સરકાર જો નવરાત્રીનું આયોજન કરશે, તો કોરોના વાઇરસનો રાફડો ફાટી નીકળશે. આ બાબતે સરકારે અને તમામ લોકોએ સ્વેચ્છાએ વિચારણા કરવી જોઈએ. કલાકારો પોતાની રોજગારી અન્ય રીતે પણ મેળવી શકે છે, પરંતુ મનોરંજનને કારણે લાખો પરિવારના જીવન સાથે રમત ન રમવી જોઈએ. હવે આ બાબતે સરકારે જ વિચારવું જોઈએ. કારણ કે, ગુજરાતમાં નવરાત્રિનું આયોજન થશે તો કોરોના સંક્રમિત લોકોનો રાફડો ફાટી નીકળશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાલ કોરોના ટ્રાન્સમિશનના ત્રીજા સ્ટેજ પર છે. ત્યારે નવરાત્રીનું આયોજન કરવા અંગે સરકાર શું નિર્ણય લે છે? તેની પર સૌની નજર રહેલી છે.