અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસે લોકોનો જીવ લેનાર પુત્ર અને તેના પિતાની ધરપકડ કરી છે. ઇસ્કોન બ્રિજ પર બુધવારે મોડી રાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે પોલીસકર્મી અને એક હોમગાર્ડ સહિત કુલ 9 લોકોના મોત થયા હતા. થાર ગાડી અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતને જોવા ઉભા લોકોને 150થી પણ વધુની સ્પીડમાં આવેલી જેગુઆર ગાડીના ચાલકે અડફેટે લેતા સ્થળ પર જ 6 લોકોના અને સારવાર દરમિયાન 3 એમ કુલ મળીને 9 લોકોના મોત થયા હતા.
ધમકી આપી પોતાના પુત્રને ભગાડી ગયો: આ મામલે હજુ પણ 13 લોકો ઇજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે. આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ કાર ચાલક તથ્ય પટેલને માર મારતા તેને ઇજાઓ થઈ હતી. જે બાદ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તેને ઘટના સ્થળે લેવા માટે આવ્યા ત્યારે પબ્લિકના માણસો સાથે ઘર્ષણ કરી અને ધમકી આપી પોતાના પુત્રને ભગાડી ગયા હતા.
પિતા-પુત્રની ધરપકડ: આ ઘટનાને પગલે ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના અનેક નેતાઓએ મૃતકના પરિજનોની મુલાકાત લઈ આ મામલે ત્વરિત કાર્યવાહીનો આદેશ કર્યો હતો. સીએમ ભુપેન્દ્ર પટેલે પણ આ કેસની ગંભીરતા લઈને બેઠક બોલાવી જરૂરી સૂચનો આપ્યા હતા. આ કેસમાં ટ્રાફિક પોલીસે અગાઉ કાર ચાલક તથ્ય પટેલની કારમાં સવાર 3 યુવતી સહિત 5 લોકોની અટકાયત કરી હતી. જે બાદ સાંજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા જ તથ્ય પટેલની ધરપકડ કરાઈ હતી. જે બાત તેના પિતા પ્રગનેશ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી.
'આ મામલે IPC ની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે ઘટના બાદ આસપાસના લોકોને ધમકાવી પોતાના દીકરાને ભગાડી લઈ જઈ જેથી તે અંગેની પણ કલમો હેઠળ આ ગુનો દાખલ થયો છે.' -નીતા દેસાઈ, DCP, અમદાવાદ પશ્ચિમ ટ્રાફિક
મૃતકોના પરિવારની માફી માગી: આ મામલે ટ્રાફિક પોલીસે IPC ની કલમ 279, 337, 338, 304, 504, 506 (2),114 તેમજ મોટર વાહન અધિનીયમ 177, 184,134 (b) મુજબ તથ્ય પટેલ અને પ્રગનેશ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં પિતા પુત્રની ધરપકડ બાદ પોલીસે બંને આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જ્યાં પિતા પુત્રએ કાન પકડી ઉઠક બેઠક કરી પોતાની ભૂલની માફી માંગી હતી અને તમામ મૃતકોના પરિવારની માફી માગી હતી.
ગુનાહિત ઇતિહાસ: મહત્વનું છે કે આ કેસમાં સામેલ આરોપી પ્રગનેશ પટેલ અગાઉ પણ ગુનાહિત કૃત્યમાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં તેની સામે નોંધાયેલા ગુના નીચે મુજબ છે. સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં 2 ગુના, શાહપુર પોલીસ સ્ટેશનમાં 1 ગુનો, રાણીપ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો, ક્રાઈમ બ્રાન્ચમાં એક ગુનો, મહિલા ક્રાઈમમાં 1 ગુનો, ડાંગ પોલીસ મથકે NC ફરિયાદ અને મહેસાણામાં 1 ગુનો નોંધાયેલો છે.