કન્ઝ્યુમર પ્રોટેક્શન એન્ડ એનાલિટિક કમિટી અને અન્યો દ્વારા થયેલી રિટમાં એવા મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે, ઇ-સ્ટેમ્પના નવા નિયમના લીધે અરજદાર સ્ટેમ્પ વેન્ડર સહિત રાજ્યભરના વેન્ડરો ઘેરા આઘાતમાં સરી પડ્યા છે. કેમ કે, આ નવા નિયમો કાયદાથી તો વિપરીત છે જ પરંતુ તેનો અમલ થતાં વેન્ડરોનો મૃત્યુઘંટ વાગી જશે. વેન્ડરો ઉપરાંત સામાન્ય નાગરિકોને પણ ભારે હાલાકીમાંથી પસાર થવું પડશે, કેમ કે ઇ-સ્ટેમ્પની ઉપલબ્ધતાના પ્રશ્નો ઉપસ્થિત થશે. ખાસ કરીને નાના ટાઉન અને ગામડાઓમાં મોટા પ્રશ્નો થશે. સ્ટેમ્પ વેન્ડરોને અત્યંત નજીવા કમિશન મળે છે, ત્યારે દરેકની માટે નવા નિયમો હેઠળ નોંધણી કરાવવી પણ શક્ય થશે નહીં. સ્ટેમ્પ વેન્ડર જો એક લાખની કીંમતના સ્ટેમ્પ વેચે તો તેને રૂપિયા ૧૦૦૦ ડિસ્કાઉન્ટ પેટે મળે છે. તેથી સ્ટેમ્પ એક્ટના સેલ્સ રૂલ્સમાં કરવામાં આવેલા સુધારાઓને ગેરબંધારણીય અને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે.
રિટમાં એવા મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે, ઇ-સ્ટેમ્પિંગ માટે ઇન્ટરનેટની સુવિધા ફરજિયાત જોઇએ. જો ઇન્ટરનેટનું કનેક્શન ન હોય તો નાગરિકોને આ સેવા મળી શકે નહીં. એટલું જ નહીં વિવિધ આંદોલનો વખતે સરકાર દ્વારા ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદવામાં આવે છે, તેવા સમયે પણ કફોડી પરિસ્થિતિ ઉભી થશે. રાજ્ય સરકારે આ રીતે કાયદામાં કરેલા સુધારા યંત્રવત છે અને સુધારા પહેલાં ગ્રાઉન્ડ રિયાલિટીની ચકાસણી પણ કરવામાં આવી નથી. નવા કાયદા મુદ્દે નાગરિકોમાં યોગ્ય જાગૃતિ પણ ફેલાવવામાં આવી નથી.