- અંધ કન્યા પ્રકાશ ગૃહમાં દૈનિકની 350થી વધુ કોરોનાના દર્દીઓને ભોજન આપાઇ રહ્યું
- સ્ટાફ અને ટ્રસ્ટી ખાલી મળેલા આ સમયમાં સમાજસેવાનું કામ કરી રહ્યા
- વહેલી સવારથી જ સ્કૂલના કર્મચારીઓ ભોજન બનાવવાની કામગીરી શરૂ
અમદાવાદ : મેમનગર ખાતે આવેલી અંધ કન્યા પ્રકાશ ગૃહમાં દૈનિકની 350થી વધુ કોરોનાના દર્દીઓને ભોજનની સેવા આપી રહી છે. એક તરફ શાળા બંધ હોવાના કારણે અંધ કન્યા પ્રકાશ ગૃહના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ પોતાના ઘરે ગયા છે. ત્યારે બીજી તરફ અહીંનો સ્ટાફ અને ટ્રસ્ટી ખાલી મળેલા આ સમયમાં સમાજસેવાનું કામ કરી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલર અને ધારાસભ્યોની મદદથી તેઓ 350થી વધુ લોકોનું ભોજન બનાવી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડી રહ્યા છે.
પ્રથમ લહેર દરમિયાન 500 જેટલા લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવતું હતું
અંધ કન્યા પ્રકાશ ગૃહમાં એડમિનિસ્ટ્રેટર તરીકે જોડાયેલા કાંતિ પટેલે ETV Bharat સાથે થયેલી ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પણ 500 જેટલા લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવતું હતું. આ તમામ લોકો પરપ્રાંતીય હતા. બીજી લહેરમાં પણ કોરોનાના દર્દીઓ સુધી જમવાની વ્યવસ્થા પહોંચી તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અમારે ત્યાંથી દરરોજ સવારે 10 વાગ્યા સુધીમાં ભોજન બનીને તૈયાર થઈ જાય છે અને લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : દમણ મહિલા મોરચાની ટીમ આવી કોવિડ દર્દીઓના વ્હારે
હોસ્ટેલના મેનેજમેન્ટના કર્મચારીઓ અને શાળાના પણ સભ્યો મદદ કરી રહ્યા
કોરોનાના દર્દીઓ સુધી જમવાની સુવિધા પહોંચે તે માટેના પ્રયાસો અંધ કન્યા પ્રકાશ ગૃહ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ અંધ કન્યા પ્રકાશ ગૃહ સ્કૂલના કર્મચારીઓ જ ભોજન બનાવવાની કામગીરી શરૂ કરે છે. આ સભ્યોમાં હોસ્ટેલના મેનેજમેન્ટના કર્મચારીઓ અને શાળાના પણ સભ્યો મદદ કરી રહ્યા છે. એક તરફ બહેનો જમવાનું બનાવે છે, ત્યારે બીજી તરફ ભાઈઓ પ્લેટ તૈયાર કરવાની કામગીરી કરે છે. આમ, સહિયારા પ્રયાસથી દર્દીઓ સુધી ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : જામનગરમાં સસ્તા અનાજની દુકાન પર રાશન વિતરણ કરી શકે છે કોરોના બ્લાસ્ટ
સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓને ભોજન પહોંચાડવામાં આવી રહ્યું
સ્મિતા શાહે ETV Bharatને જણાવ્યું હતું કે, તેમનું ટ્રસ્ટ કોરોના દર્દીઓને કઈ રીતે મદદ કરી શકે તે માટેનું આયોજન બનાવી રહ્યું હતું. ત્યારે વિચાર આવ્યો કે, જે ઘરમાં કોરોનાના દર્દીઓ હોય તેમને જમવાની સુવિધા પહોંચાડવામાં આવે તો એ લોકોને સારી મદદ થશે. પરંતુ, કોરોના દર્દીઓ સુધી ભોજન કઈ રીતે પહોંચાડવામાં આવે તે એક મોટી સમસ્યા હતી. આ માટે તેમણે સ્થાનિક કાઉન્સિલર અને ધારાસભ્યની મદદ મેળવી અને હાલ સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓને ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.