અમદાવાદ: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની એક અથડામણમાં મૂળ સુરેન્દ્રનગર અને હાલ અમદાવાદમાં રહેતા જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા છે. તેઓના પાર્થિવ દેહને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો અને ઓઢવ ખાતે તેઓના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. મહત્વનું છે કે તેઓની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં શહેરીજનોને જોડાયા હતા.
27 વર્ષની નાની વયે શહીદ: ઠક્કરબાપાનગરમાં આવેલા લીલાનગર ખાતે તેઓની અંતિમ વિધિ કરવામાં આવી છે. મહિપાલસિંહ એક મહિના અગાઉ એક મહિનાની રજા લઈને પત્નીના શ્રીમંતના પ્રસંગમાં પણ હાજર રહ્યા હતા. શહીદના નિવાસસ્થાન બહાર 2 કિલોમીટર સુધી લોકોની ભીડ જામી હતી. હજારોની સંખ્યામાં શહીદના સમર્થકોએ ભારત માતાકી જયના નારા લગાવી અંતિમ યાત્રામાં ફૂલોથી પુષ્પાંજલિ આપી હતી. તેઓ ગઈકાલે આંતકી સાથેની અથડામણમાં 27 વર્ષની નાની વયે શહીદ થયા હતા.
શહીદને ગાર્ડ ઓફ ઓનર: શહીદ જવાનના ધર્મપત્નીને હોસ્પિટલમાં ઘરે લાવવામાં આવ્યા હતા, તેઓના પત્નીએ શનિવારે સાંજે જ પુત્રને જન્મ આપ્યો છે. તેવામાં પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો હતો. મહિપાલસિંહ તેમના આવનારા સંતાનનું મોઢું જોવે તે પહેલા જ અંતિમશ્વાસ લીધા છે. ભારતીય સેના દ્વારા શહીદને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.
CM ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ આપી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં આ શહીદ વીર જવાનના સદાશિવ સોસાયટી વિરાટનગર રોડ, ઓઢવ ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ મહિપાલસિંહને વિરાંજલી આપવા સાથે તેમના પરિવારજનોને સાંત્વના પણ પાઠવી હતી. રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલ, અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ સહિતના અનેક આર્મીના પૂર્વ સૈનિકો પણ પહોંચ્યા હતા. સાથે જ ઝોન 5 DCP બળદેવ દેસાઈ અને ટ્રાફિક DCP સફિન હસન સહિત જિલ્લા કલેક્ટર પણ પહોંચ્યા હતા.
પાંચેક વર્ષ પહેલાં ઇન્ડિયન આર્મીમાં જોડાયા: મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળાનું કુટુંબ છેલ્લા 40 વર્ષથી અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહે છે અને તેમનો જન્મ પણ અમદાવાદમાં જ થયો છે. મહિપાલસિંહ છેલ્લા 8 વર્ષથી સુરક્ષા દળમાં ફરજ બજાવી રહ્યા હતા. તેમની પહેલી પોસ્ટીંગ જબલપુરમાં થઈ હતી, જ્યાં તેમણે ચાર વર્ષ ફરજ બજાવ્યા બાદ બીજી પોસ્ટીંગ ચંદીગઢમાં થઈ હતી, જ્યાં તેઓએ ત્રણ વર્ષ ફરજ બજાવી હતી. ત્યાર બાદ છેલ્લા 6 મહિનાથી તેમની પોસ્ટીંગ જમ્મુ-કાશ્મીરમાં થઈ હતી.