અમદાવાદ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા વર્તમાન સમયમાં કોન્ટ્રાક્ટ પર બસો ચલાવવામાં આવે છે. જેમનો કોર્પોરેશન દ્વારા ચાર્ટર્ડ સ્પીડ લિમિટેડ જેવી ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ, ખાનગી કંપની દ્વારા ડ્રાઇવર અને કંડક્ટરોના પગાર વધારા સાથે જ અન્ય પડતર માંગો પૂર્ણ ન કરતા અચાનક ચાર્ટર્ડ સ્પીડ કંપનીની બસો ચલાવતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા.
સારંગપુર બસ સ્ટેન્ડ ખાતે કર્મચારીઓ હડતાલ પર ઉતરતા શહેરીજનોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાળંગપુર બસ સ્ટેન્ડ ખાતે 100થી વધુ બસના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભીડ જોવા મળી હતી.
ખાનગી કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ અચાનક હડતાલ પર ઉતરતા તંત્રએ ગણતરીની મિનિટોમાં 50થી વધુ વૈકલ્પિક બસોની વ્યવસ્થા કરી હતી અને શહેરીજનોને પડતી હાલાકીમા થોડો સુધાર કર્યો હતો. પરંતુ, સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો ખાનગી કંપનીના કર્મચારીઓના પગાર વધારો તથા અન્ય પડતર માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આ હડતાલ અચોક્કસ મુદત કરાશે.