અમિત જેઠવા હત્યા કેસમાં તમામ આરોપીઓને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે સજા ફટકારી છે. તમામ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. દીનુ બોઘા સોલંકીને આજીવન કેદની સાથે 15 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ હત્યા કેસના તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. આ અગાઉ આરોપીને ફાંસીની સજાની માગ કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદની સીબીઆઈ કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટ આ કેસમાં શૈલેષ પંડ્યા, પોલીસ કોન્સ્ટેબેલ બહાદુરસિંહ વાઢેર, ઉદાજી ઠાકોર શિવા પચાણ, શિવા સોલંકી અને સંજય ચૌહાણને દોષી જાહેર કર્યા હતા. જેમને આજીવન કારાવાસની સજા ફટકારી છે.
વર્ષ 2010 માં હાઈકોર્ટ પાસેના સત્યમેવ કોમ્પલેકસ નજીક પોઈન્ટ બ્લેક રેન્જથી અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ગુજરાત પોલીસે 7 લોકોની ધરપકડ કરી હતી. જેમાં ભાજપના સાંસદના ભત્રીજા શિવા સોલંકી અને શાર્પ શુટર શૈલેષ પંડયા સામેલ હતા. જેને કોર્ટે દોષિત ઠેરવ્યા હતાં. આ મામલે સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવતા સાંસદ દીનું બોઘા સોલંકીની નવેમ્બર 2013માં ધરપકડ પણ કરવામાં આવી હતી.