અમદાવાદ: શહેરમા કોરોનાના કેસમા તેમજ મૃત્યુદરમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં રાખી શરૂઆતમાં 73 જેટલી ખાનગી હોસ્પિટલના બેડ આરક્ષિત કર્યા હતા.
અમદાવાદમાં કોરોનાની શરૂઆત થયા બાદ એક સમયે હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ બની ગયા હતા, જ્યારે વર્તમાન સમયમાં મહાનગરપાલિકાએ આરક્ષિત કરેલા બેડમાંથી માત્ર 40 ટકા બેડ જ ઉપયોગમાં છે, ત્યારે તંત્રએ વિવિધ હોસ્પિટલમાં કોવિડ માટે રીઝર્વ રાખેલી બેડની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે, તો કેસની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખી કેટલીક હોસ્પિટલને ડી નોટીફાઈ કરવામાં આવી છે. એટલે કે આવી હોસ્પિટલ કોરોનાની સારવાર હવે નહી કરે.
કેસ ઘટવાના કારણે ખાનગી હોસ્પિટલમાં અનામત કરાયેલા બેડમાંથી 40 ટકા બેડ જ ભરાયેલા હોય છે. જ્યારે 60 ટકા ખાલી હોય છે, જેથી ખાનગી હોસ્પિટલોને ધીરે-ધીરે ડી-નોટીફાઈ કરવામાં આવી રહી છે, જેથી એ બેડનો ઉપયોગ અન્ય દર્દીઓ કરી શકે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6 ઓગસ્ટના રોજ બનેલી આગની દુર્ઘટના બાદ શ્રેય હોસ્પિટલને ડી-નોટીફાઈ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
જ્યારે બેડની સંખ્યામા ઘટાડો કરવામાં આવ્યો છે, તે હોસ્પિટલની વાત કરીએ તો કોઠીયા હોસ્પિટલ, GCS હોસ્પિટલની આરક્ષિત બેડની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. પાર્થ હોસ્પિટલ–યુરોકેર આર્ના હોસ્પિટલ-સુમિત્રા હોસ્પિટલ-પ્રમુખ હોસ્પિટલ અને ભારતી વલ્લભ હોસ્પિટલને વિવિધ કારણસર ડી નોટીફાઈ કરવામા આવશે.