અમદાવાદઃ અમદાવાદ કમિશનર વિજય નહેરાએ 5મેના રોજ ટ્વિટર દ્વારા માહિતી આપી હતી કે, તેઓ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યાં છે એટલે પોતે સેલ્ફ કોરેન્ટાઈનમાં જશે. ત્યાર બાદ તરત જ રાજ્ય સરકાર દ્વારા વિશેષ અધિકારીઓની આખી ફોજ અમદાવાદમાં કોરોના સંક્રમણ નાથવા મૂકી દેવાઈ હતી. જેનો રિપોર્ટ નેગેટિવ આવતાં તેની પણ ટ્વિટર હેન્ડલથી જાણકારી આજે આપી છે. વિજય નહેરાનો નેગેટિવ રિપોર્ટ આવતાં તેઓ ફરીથી અમદાવાદમાં કોરોના નાથવા માટે સક્રિય થઈ શકે છે. હાલમાં તેઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે એટલી જ જાણકારી આપી છે પરંતુ તેઓ ક્યારથી સક્રિય થશે તે હજુ કંઈ નક્કી નથી.
AMC કમિશનર વિજય નહેરા મેદાનમાં પાછા ફરશે, કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો પછીથી તાત્કાલિક રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે કૈલાશનાથની અધ્યક્ષતામાં તાત્કાલિક મીટીંગો યોજાઈ હતી. તે પછીથી અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. મુકેશ કુમારને સોંપવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. જેઓએ વિજય નહેરા કોરેન્ટાઈનમાં જતા જ બીજા દિવસે એટલે કે 6 મેના અમદાવાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન માટે દવા અને દૂધ સિવાયની તમામ વસ્તુઓના વેચાણની દુકાનો બંધ કરાવી દીધી છે. 15 મે સુધીના લોકડાઉનમાં કડકાઈથી અમલ માટે પેરામિલિટ્રી ટુકડીઓ પણ બોલાવી છે.