Unseasonal Rain: ગુજરાતમાં 14 માર્ચે માવઠાની શક્યતા, અંબાલાલે કરી આગાહી - અમરેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે. સાથે માવઠું થવાની આગાહી પણ સામે આવી રહી છે. ત્યારે હવે માર્ચ અને એપ્રિલમાં માવઠું થશે એટલે કમોસમી વરસાદ થવાની આગાહી છે.
અમદાવાદઃ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે સામાન્ય ઠંડી અને બપોરે ગરમી અનુભવાય છે. એક વખત તો માવઠું પણ પડી ગયું છે પણ હજી ફરી એક વાર માવઠું એટલે કે કમોસમી વરસાદ થવાની આગાહી સામે આવી છે.
આ પણ વાંચોઃ Patan Rain : પાટણમાં કરા સાથે કમોસમી વરસાદ, પાકને નુકસાન થતાં ખેડૂતોને ફટકો
આગામી 2-3 દિવસ હીટવેવઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી તાપમાન વધશે. તેમ જ કચ્છ, ગીર સોમનાથ અને પોરબંદરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આમ, ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. હાલ ગુજરાતમાં 36થી 38 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. એટલે હવે આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં વધારો થશે.
માર્ચ અને એપ્રિલમાં કમોસમી વરસાદઃ અંબાલાલ પટેલઃ ગાંધીનગરના જાણીતા જ્યોતિષી અને ખગોળશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં અષાઠી માહોલ સર્જાશે. 12 માર્ચથી વાદળો જોવા મળશે. 14થી 17 માર્ચ પુનઃમાવઠું થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. તેમ જ 25થી 28 માર્ચ દરમિયાન દરિયામાં ઊંચા મોજાં ઉછળશે અને પુનઃમાવઠું થશે. જ્યારે 3 એપ્રિલે ફરીથી હવામાનમાં પલટો આવશે. 8 એપ્રિલથી 14 એપ્રિલ ફરીથી અષાઢી માહોલ સર્જાય. બરફના કરા સાથે વરસાદ આવશે. ટૂંકમાં માર્ચ અને એપ્રિલ ખેડૂતો માટે માઠાં દિવસો લઈને આવ્યું છે.
શિયાળું પાક અને હવે ઉનાળું પાકને નુકસાનઃ તાજતરમાં 26 જાન્યુઆરીએ માવઠું થયું હતું. ત્યારબાદ 3 માર્ચથી 5 માર્ચ વચ્ચે માવઠું થયું હતું ને ગુજરાતભરમાં કમોસમી વરસાદ થયો હતો. તેવામાં શિયાળું પાકને નુકસાન થયાના રિપોર્ટ સામે આવ્યા છે. તેમજ હજી માર્ચ અને એપ્રિલમાં કમોસમી વરસાદની વકી છે, જેથી ઉનાળું ઊભા પાકને પણ નુકસાન થશે, જેથી ખેડૂતોએ સાવધાની રાખવી જોઈએ.
આ પણ વાંચોઃ Surat Unseasonal Rains: સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોની વધારી ચિંતા
અમરેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટે આપી સૂચનાઃ જિલ્લામાં ફરી હવામાન વિભાગે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. 13 માર્ચે જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે અમરેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટે સૂચના આપી છે. શાકભાજી તેમ જ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમ જ તૈયાર ખેતપેદાશો તથા ઘાસચારોને સલામત સ્થળે ખસેડવા તાકીદ કરી છે. જ્યારે એપીએમસી ખરીદ કેન્દ્ર તેમ જ ગોડાઉનમાં ખેત જણસના જથ્થાને સલામત સ્થળે રાખવા જોઈએ. કોઈ નુકસાન ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.