અમદાવાદ : રાજ્યસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ હાઈ કમાન્ડ નજર રાખી રહ્યો છે. આ માટે રાષ્ટ્રીય કોંગ્રેસના ત્રણ નેતાઓ ગુજરાત આવશે. જેમાં આજરોજ બુધવારે રાત્રીના ત્રણ નેતાઓ ગુજરાત આવી પહોંચશે. જેમાં પ્રભારી રાજીવ સાતવ, બીકે હરિપ્રસાદ અને રજની પાટીલ ગુજરાત આવશે. જે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ચૂંટણી સંદર્ભે માહિતગાર કરશે.
ઉલ્લેખનિય છે કે રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવાર ઊભા રાખ્યા છે. ભાજપના બે અને કોંગ્રેસના એક ઉમેદવારની જીત અને હાર નક્કી છે. જેથી ભાજપ માટે ત્રીજી બેઠક અને કોંગ્રેસ માટે બીજી બેઠક એટલે કે રાજ્યસભાની ચોથી બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.
રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વનું કડક વલણ જોવા મળી રહ્યું છે. જેમાં તમામ ધરાસભ્યોના મોબાઈલ ફોન બંધ કરાવશે. આ ઉપરાંત હોટેલમાં 2 ઉમેદવાર અને ધારાસભ્યો સિવાય કોઈને પ્રવેશ નહીં આપવામાં આવે, ધારાસભ્યોની ગાડીઓ પણ હોટલની બહાર રહેશે, ધારાસભ્યોની સાથે આવેલા લોકોને પણ હોટલની બહાર કઢાશે, છેલ્લી ઘડીએ કોઈ ધારાસભ્ય સાથ ન છોડે તે માટેનું આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યસભાની ચૂંટણીના પગલે વિધાનસભા પ્રવેશ દ્વારે આધુનિક સ્કેનર મશીન લગાવવામાં આવ્યું છે. જેથી વિધાનસભામાં પ્રવેશ કરતાં સમયે તમામ ધારાસભ્યોનું ટેમ્પરેચર ચેક થશે.
જોકે રાજ્યસભાની ચૂંટણીની વચ્ચે મહત્ત્વની બાબત એ છે કે મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના તમામ ધારાસભ્યોના મોબાઈલ લઈ લીધા છે. એટલે કે આગામી બે દિવસ સુધી કોંગ્રેસના તમામ ધારાસભ્યો કોઈને સંપર્ક કરી શકશે નહીં અને 19મી તારીખે ચૂંટણીના દિવસે હોટલ ઉમેદથી સીધા ગાંધીનગર મતદાન કરશે.